નવી દિલ્હી તા.૬

ઓક્સફર્ડ બુકસ્ટોર દ્વારા પોતાનું બુક સેસન રદ કરવામાં આવતાં સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડે બુકસ્ટોરના વહિવટીતંત્ર પર પ્રહાર કરતાં તેને સ્વસેન્સર શીપના કૃત્ય તરીકે ગણાવ્યું છે. વિખ્યાત બુકસ્ટોર ઓક્સફર્ડે દિલ્હીમાં વિસ્ફોટક પરિસ્થિતિનું બહાનું ધરીને તીસ્તાનું બૂક સેસન રદ કરી નાખવાનો નિર્ણય લીધો હતો. સેતલવાડે કહ્યું કે આ કામ સ્વ સેન્સરશીપનું હોય તેવું લાગે છે. આવું કરવાની તો કોઈ જરૂર પણ નહોતી. તેમણે કહ્યું કે દુર્ભાગ્યે, દેશની રાજધાનીમાં આવું થઈ રહ્યું છે. અમે એક એવા પ્રકારની તાકાત સામે લડી રહ્યાં છીએ કે જે કોઈ પણ પ્રકારનો ખાસ કરીને રાજકીય અસંતોષ સહન કરી શકતી નથી. તીસ્તાએ કહ્યું કે મુંબઈમાં બૂકનું અસાધારણ વિમોચન કરવામાં આવ્યું હતું અને વારાણસી અને દિલ્હીના જેએનયુમાં પણ આવું સેશન યોજવાનું હતું પરંતુ તીસ્તા સેતલવાડની બુક ફૂટ સોલ્જર ઓફ ધ કોન્સ્ટીટ્યુશનના પ્રકાશક લેફ્ટવર્લ્ડ બૂક્સને પાઠવેલા એક ઈમેઈલમાં ઓક્સફર્ડ બુકસ્ટોરે બુક સેશનને રદ કરવાના વ્યાજબી કારણ તરીકે બહારના લોકોનો ઉપદ્રવ ગણાવ્યો છે. ઈમેઈલમાં એવું પણ જણાવવામાં આવ્યું કે અમને લાગે છે કે એક બાજુ છઠ્ઠી માર્ચે ચૂંટણીની સિઝન પૂરી થવાની અણીએ છે ત્યારે શહેરમાં વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શનમાં વધારો થવાની સંભાવના છે તેને ધ્યાનમાં રાખીને બુક સેશન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ઓક્સફર્ડ મેનેજમેન્ટ દ્વારા પાઠવવામાં આવેલા ઈમેઈલ અનુસાર, આવા વિસ્ફોટક સંજોગોને ધ્યાનમાં રાખીને અમારી પાસે આ ઘડીએ બુક સેશનને રદ કરવા સિવાય કોઈ બીજો વિકલ્પ રહ્યો નથી.  ઓક્સફર્ડ મેનેજમેન્ટનો સંપર્ક સાધવામાં આવતાં એવું જણાવવામાં આવ્યું કે અમે આ મુદ્દે કોઈ જાહેર નિવેદન આપવા માંગતા નથી. પરંતુ હવે આ બુક સેશન મંગળવારે પ્રેસ ક્લબ ઓફ ઈન્ડીયામાં યોજાઈ રહ્યું છે.