(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
મહિધરપુરાના હરિપુરા ખાતેના ભવાનીવડ પાસે આવેલ બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢીનો કર્મચારી રૂા.૧૭.૪૧ લાખ લઈને નાસી છૂટ્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પલાસરા ગામના વતની હાલ રાંદેર અમીધારા વાડીને સામે જશવંતીનગરમાં રહેતા પ્રહલાદભાઈ મગનભાઇ પટેલ મહિધરપુરાના હરિપુરા ખાતેના ભવાનીવડ ધોબીશેરીમાં બાબુલાલ કાંતિલાલના આંગડિયા પેઢી ચલાવે છે. આ પેઢીમાં પાટણ જિલ્લાના ઇલમપુરમાં રહેતો અર્જુન ધનાજી ઠાકોર નામનો યુવક ડિલેવરી મેન તરીકે નોકરી કરતો હતો. પેઢીમાં કામ કરતો નોકરઅર્જુન રાબેતા મુજબ ૨૪મી ડિસેમ્બરના રોજ સુરત હેડ ઓફિસથી નવસારી જવા નિકળ્યો હતો. ત્યારબાદ નવસારીની ઓફિસથી સુરતની અલગ-અલગ પાર્ટીના અને પેઢીના રૂા.૧૭.૪૧ લાખ લીધા બાદ સુરત ખાતેના ભવાનીવડની ઓફિસમાં જમા કરાવવા માટે નિકળ્યો હતો. પરંતુ તે સમયસર ન પહોંચતા પ્રહલાદભાઈએ તેનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેનો ફોન બંધ આવ્યો હતો. થોડો દિવસ રાહ જાયા બાદ તે ન આવતા છેવટે સંદર્ભે પ્રહલાદભાઈએ નોકર અર્જુન સામેની મહિધરપુરા પોલીસ મથકમાં ઠગાઇની ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.