(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૮
પાટીદાર અનામત આંદોલન મુદ્દે સરકારનું વલણ નરોવા કુંજરોવા જેવું છે. ત્યારે ભાજપ સરકારને ચૂંટણીમાં હરાવવા એક માત્ર કોંગ્રેસ પક્ષ પાટીદારોનો સહારો હતો પરંતુ કોંગ્રેસના સાત જેટલા ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા કોંગ્રેસની નાવડીમાં કાણું પડી ગયું છે ત્યારે આ નાવડી ડૂબે તો પાટીદારોનું શું ? એટલે પાટીદારોની પડતર માગણીઓ મુદ્દે સરકાર સાથે બેઠક કરવા માટે ખુદ હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને બેઠક કરવા માટે માગ કરી છે. ત્યારે અત્યાર સુધી પાટીદારોને બેઠક કરવા સરકાર આમંત્રણ આપતી હતી. પરંતુ હવે ખુદ આંદોલનકારીઓને સરકારને પત્ર લખીને બેઠક કરવા માટે રજૂઆત કરવી પડે તે જ ઘણું બધુ કહી જાય છે. પાસના નેતા હાર્દિક પટેલે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે કે છેલ્લા બે વર્ષથી પાટીદાર સમાજ અનામતની માગણી લઈને આંદોલન કરી રહ્યા છે. સરકાર સાથે બે વખત બેઠક થઈ પણ સરકાર તરફથી અમારી મુખ્ય ચાર માગણીઓ છે. જેનો ઉકેલ લાવવાને બદલે કરેલી બેઠકને ગેરમાર્ગે લઈ જઈને તે બેઠકોને નિષ્ફળ કરવાના પ્રયાસ કરવામાં આવે છે. તેવું અમે માનીએ છીએ. વધુમાં હાર્દિકે પત્રમાં જણાવ્યું છે કે અમે એવું ઈચ્છીએ છીએ કે આગામી વિધાસભાની ચૂંટણી પહેલા સરકાર અમારી ૪ મુખ્ય માગણી અંગે આંદોલન સમિતિ સાથે બેઠક કરે. અમારી મુખ્ય માગણીઓમાં પાટીદાર સમાજને બંધારણીય અનામત આપો. (ર) રપ/ર૬ ઓગસ્ટના રોજ પાટીદાર સમાજ પર બેરહેમીથી અત્યાચાર ગુજારનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પર વીડિયો રેકોર્ડિંગના આધારે તાત્કાલિક પગલા લો. (૩) આંદોલન દરમ્યાન શહિદ થયેલ યુાવનોના પરિવારને હરિયાણા અને રાજસ્થાનની જેમ આર્થિક સહાય અને સરકારી નોકરી આપો… (૪) પાટીદાર સમાજ માટે અલગથી પાટીદાર આયોગ આપો. જો સરકાર અમોને આ મુદ્દે વાતચીત માટે બોલાવશે તો આંદોલન સમિતિ દ્વારા સર્વાનુમતે નકકી કરેલા પ્રતિનિધિ સરકાર સાથે બેઠક કરવા અમે તૈયાર છીએ. સમાજ હિતમાં યોગ્ય ઉકેલ આવે એવું અમે ઈચ્છીએ.