અમદાવાદ, તા.ર૪
પાસ અને કોંગ્રેસ વચ્ચે અનામતની ફોર્મ્યુલા મુદ્દે થયેલી સમજૂતી થઈ છે તેમાં પ૦ ટકા કરતા વધુ અનામત આપવાની વાત કોંગ્રેસે કરી છે. આ અનામતની ફોર્મ્યુલા જેને આપી છે તેવા સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે તેમના એક કેસમાં સુપ્રીમના ચુકાદાઓને ટાંકીને દલીલો કરી હતી કે પ૦ ટકાથી વધારે અનામત હોઈ શકે નહી. તો અત્યારે કયા મોઢે ગુજરાતમાં પાટીદારોને અનામત આપવાની વાતો કરી. કોંગ્રેસ બે મોઢાની વાત કરી નિર્દોષ પાટીદાર યુવાનોને હાથો બનાવી પાટીદાર સમાજને છેતરવાનો કારસો કોંગ્રેસે રચ્યો છે ત્યારે કોંગ્રેસના નેતાઓમાં જૂઠ્ઠાણાઓ ફેલાવવા બાબતે હરિફાઈ જામી છે. આથી ચૂંટણીમાં સૌથી વધુ જૂઠ્ઠાણાઓ ફેલાવનારા કોંગ્રેસી નેતાઓને સોનિયા ગાંધીના હસ્તે એવોર્ડ આપવામાં આવશે. એવો સણસણતો આક્ષેપ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો હતો.
આજરોજ ભાજપા મીડિયા સેન્ટર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજને છેતરીને ગુજરાતની ચૂંટણીને વેતરણી પાર પાડવા માંગતી કોંગ્રેસની બે મોઢાની વાતોનો જનતા સમક્ષ પર્દાફાશ કરવો છે. કોંગ્રેસ અને પાસ વચ્ચે જે કથિત સમજૂતી થઈ તે મુજબ પ૦ ટકા કરતાં વધુ અનામત આપવાની કોંગ્રેસની બાંહેધરી આપી છે. ચંદીગઢની સંસ્થાના કેસમાં કપિલ સિબ્બલે તેમની દલીલના સમર્થનમાં સુપ્રીમ કોર્ટના ૧૯૯રના ઈન્દ્રા સહાનીના કેસને ટાંક્યો હતો અને તેમાં પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતોને તેમના પોતાના કેસના સમર્થનમાં રજૂ કર્યો હતો. સિબ્બલે અનામતના વિષય ઉપર સુપ્રીમ કોર્ટના ઈન્દ્રા સહાનીના ૯ જજની બેન્ચનો ચુકાદો તેમજ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એમ.આર. બાલાજીના કેસમાં ૧૯૬૩માં જે સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો તે સિદ્ધાંત તેમણે પોતાના કેસના સમર્થનમાં રજૂ કરી. તે ચુકાદો ટાંકીને એવું જણાવેલ હતું કે ઉપરોકત ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે કે અનામતનું ધોરણ પ૦ %થી વધવું જોઈએ નહીં. એટલે કે અનામત પ૦ ટકાથી ઓછી હોવી જોઈએ અને પ૦ ટકાથી વધુ અનામત આપી શકાય નહીં તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદા યોગ્ય છે. ત્યારે કપિલ સિબ્બલ ગુજરાતમાં પ૦ ટકા કરતાં વધુ અનામત આપી શકાય તેવી ફોર્મ્યુલા રજૂ કરે છે તે જ કપિલ સિબ્બલે અગાઉ સુપ્રીમ કોર્ટમાં એવી દલીલો કરી હતી કે ઈન્દ્રા સહાનીના જજમેન્ટ પ્રમાણે પ૦ ટકા કરતા વધુ અનામત આપી શકાય નહી. તેવી કપિલ સિબ્બલની દલીલ સ્વીકારી હતી તે પ્રમાણે તેમની તરફેણમાં સુપ્રીમે ચુકાદો આપ્યો હતો. હવે આ જ કપિલ સિબ્બલ રાજકીય હેતુઓ પાર પાડવા માટે પાટીદારોને એવું જણાવે છે કે, અનામત પ૦ % થી વધારે થાય તો પણ આપી શકાય. એટલું જ નહીં તેઓ સુપ્રીમ કોર્ટમાં તેમણે જે કેસમાં રજૂઆત કરી હતી તેમનાથી વિપરીત વાતો ગુજરાતના પાટીદારો સમક્ષ મૂકી છે. ગુજરાતના પાટીદારોને ગેરમાર્ગે દોરી પોતાની સુપ્રીમ કોર્ટની અગાઉની દલીલો વિરૂદ્ધ જે ફોર્મ્યુલા ગુજરાતમાં રજૂ કરી છે. ત્યારે પ્રશ્ન થાય છે કે કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કરેલ પ૦ ટકાથી ઓછી અનામતની દલીલો અને પુરાવા સાચા કે, અત્યારે ગુજરાતમાં રજૂ કરેલ પ૦ ટકા કરતાં વધુ અનામત આપી શકાય તે ફોર્મ્યુલા સાચી ? આમ કોંગ્રેસના નેતાની સુપ્રીમ કોર્ટ સમક્ષ થયેલ દલીલો અને અત્યારની ફોર્મ્યુલા બંને વિરોધાભાસી છે. નિર્દોષ ભોળા પાટીદાર યુવાનોને હાથો બનાવી આખા સમાજને છેતરવાનો કાળો કારસો કોંગ્રેસે રચ્યો છે પરંતુ પાટીદાર સમાજ શાણો અને સમજુ છે. તે કોંગ્રેસના આવા જૂઠ્ઠાણાઓને સારી રીતે ઓળખે છે.
અનામત મુદ્દે કપિલ સિબ્બલ બે મોંઢાની વાત કરે છે : નીતિન પટેલ

Recent Comments