(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૪
કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગ માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરતા તેનો ગુજરાતમાં તા. ૧૪ જાન્યુઆરીને મકરસંક્રાંતિથી અમલ કરવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. આ સાથે ૧૦ ટકા અનામતનો લાભ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. જોકે, સુરતની પાસ(પાટીદાર અનામત આંદોલન સમિતિની ટીમ દ્વારા આ ૧૦ ટકા અનામતને એક લોલીપોપ ગણાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ઉતરાયણના પર્વે પાસ દ્વારા સફેદ પતગં પર કાળી શાહીથી ઈબીસી લોલીપોપ હોવાનું લખી ઉડાવવામાં આવી હતી. વરાછા વિસ્તારમાં પાસની ટીમ દ્વારા ૧૦ ટકા અનામત અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. પતંગો પર પાસની ટીમ દ્વારા લખવામાં આવ્યું હતું કે, જય સરદાર, જય પાટીદાર, ચોકીદાર જ ચોર છે, ૧૦ ટકા ઈબીસીએ અત્યાર સુધીનું સૌથી મોટું લોલીપોપ છે, આનંદીબેન વખતે કાઢેલા આવકના દાખલા ચાલશે કે પછી કઢાવવા પડશે? હમ હમારા હક માંગતે હૈ, નહીં કિસીસે ભીખ માંગતે. સુરત પાસ ટીમના નેતા અલ્પેશ કથીરિયાએ ૧૦ ટકા ઈબીસી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, એવો તે કેવો સર્વે કરવામાં આવ્યો કે ૧૦ ટકા જ અનામત રાખવામાં આવી. આ તો સવર્ણોમાં વિરોધ ઉભો કરવાનું એક પગલું છે.