હિંમતનગર,તા.૪
દસ દિવસ અગાઉ કિસાનોના દેવામાફી તથા પાટીદાર અનામત આંદોલનને આગળ વધારવા માટે હાર્દિક પટેલે અમદાવાદ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે. ત્યારે સાબરકાંઠામાં પણ ત્રણ દિવસથી તેના સમર્થનમાં અનેક લોકોએ બેધડક આવી જાણે કે સરકાર સામે બંડ પોકાર્યો હોય તેમ કાયદાની પરવા કર્યા વિના વિવિધ કાર્યક્રમો યોજવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે સાબરકાંઠામાં અનામત આંદોલન ફરીથી વેગવંતુ બની રહ્યું છે. જેના કેવા પરિણામ આવે છે તે સમય બતાવશે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદમાં હાર્દિક પટેલે શરૂ કરેલા ઉપવાસ આંદોલન બાદ સાબરકાંઠામાં સૌ પ્રથમ હિંમતનગર તાલુકામાં તેના સમર્થનમાં વિવિધ કાર્યક્રમો તથા પદયાત્રાનું આયોજન કર્યું હતું અને હવે આ આંદોલન જિલ્લાના અનેક ગામો સુધી પહોંચી ગયું છે. ત્યારે સોમવારે અને મંગળવારે અનેક ગામોમાં પાટીદારોએ મંદિરોમાં રામધૂન શરૂ કરીને માથે પાટીદારના લખાણવાળી ટોપી તથા ખેસ ધારણ કરી લોકોમાં અનામત આંદોલન અંગે જાગૃતિ લાવવાના કામ શરૂ કરી દીધા છે.
દરમિયાન મળતી માહિતી મુજબ પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામના હર્ષદ પટેલ નામના યુવાને મંગળવારથી અનશન શરૂ કરી એવી જાહેરાત કરી છે કે જ્યાં સુધી હાર્દિક ઉપવાસ નહી છોડે ત્યાં સુધી હું પણ મારા ઉપવાસ ચાલું રાખીશ. ઉપરાંત પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામના કેટલાક પાટીદારોએ ૧૦૦ લિટર દૂધ હાર્દિકની છાવણીમાં મંગળવારે મોકલી આપીને અનોખું સમર્થન આપ્યું છે.
ક્યાં શું થયું ?
– ગઢોડામાં આવેલ શિવ મંદિરમાં હાર્દિકના દિર્ઘાયુ માટે રામધૂન અને પ્રતિક ઉપવાસ
– ગઢોડામાં એક પાટીદારે મૂંડન કરાવ્યું
– હિંમતનગરના કાંણીયોલ, હડીયોલમાં રામધૂન તથા અડપોદરામાં યોજાયેલી રામધૂનમાં મહિલાઓ જોડાઈ
– ગઢોડામાં મહિલાઓએ થાળી-વેલણ ખખડાવી રેલી કાઢી
– તલોદના મોઢૂકામાં પ૦ અને પ્રાંતિજના આરસોડામાં ૧૦ પાટીદારોએ મૂંડન કરાવ્યું
– હિંમતનગરના કાટવાડમાં પુરૂષો, મહિલાઓ તથા બાળકો દ્વારા રામધૂન