અમદાવાદ, તા.૨૮
કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, તકવાદી રાજનીતિનું ઉત્તમ ઉદાહરણ આજે ગુજરાતમાં કોંગ્રેસ બન્યું છે. કારણ કે, પાટીદારોને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસ અનામત આપવાની વાત કરે છે તો કોંગ્રેસ કેવી રીતે ૫૦ ટકાથી વધુ અનામત આપશે તેનો રોડમેપ કોંગ્રેસ બતાવે. અનામત આપવાની વાત એ છેતરપીંડી છે કે દેખાડો છે તે કોંગ્રેસ સ્પષ્ટ કરે. અનામતના નામે મતોની સોદાગરી માટે કોંગ્રેસ પાટીદારોને છેતરવાનું બધ કરે. સુપ્રીમકોર્ટના સાત જેટલા મહત્વના જજમેન્ટ ટાંકીને ભાજપના કેન્દ્રીય નેતાએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટના આઠ જજોની બેંચે ઇન્દ્રસહાની સહિતના કેસોમાં સ્પષ્ટ ઠરાવ્યું છે કે, ૫૦ ટકાથી વધુ અનામત કોઇ સંજોગોમાં ના મળી શકે. સુપ્રીમકોર્ટે આ મામલે સ્પષ્ટ કરી દીધુ હોવાછતાં કોંગ્રેસ પાટીદારોને કયા આધાર પર અને કેવી રીતે અનામત આપવાની વાત કરે છે તે સમજાતું નથી. પાટીદારો સાથે અનામતની લાલચ આપી મતો માટે છેતરપીંડી એ કોંગ્રેસની તકવાદી રાજનીતિની પરાકાષ્ટા છે. સરદાર પટેલને કોંગ્રેસ કરેલા ભારોભાર અન્યાય મુદ્દે પણ રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર ચાબખા વરસાવ્યા હતા કે, સરદાર પટેલના લીધે જ આજે ભારત દેશ એક અને અખંડ છે. આવા અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને તેમના ૧૯૫૦મા મૃત્યુના ૪૧ વર્ષ બાદ કોંગ્રેસે ભારત રત્નનો ખિતાબ આપ્યો તે બહુ અપમાનજનક વાત છે. આ ૪૧ વર્ષમાં નહેરૂ ૧૮ વર્ષ, ઇન્દિરા ગાંધી ૧૬ વર્ષ અને રાજીવગાંધી પાંચ વર્ષ સત્તામાં રહ્યા તો આ ૪૦ વર્ષોમાં પણ કેમ કોંગ્રેસને સરદાર પટેલને ભારત રત્ન આપવાનું યાદ ના આવ્યું અને આજે સરદાર પટેલ અમારા અધ્યક્ષ હતા એમ કહી કોંગ્રેસ રાજકીય લાભ ખાટવાનો હીન પ્રયાસ કરી રહી છે. તેમણે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના કપ્પિલ સિબ્બલ, રાહુલ ગાંધી ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા.