(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૧
ઓડ ગામે ર૦૦રના કોમી રમખાણોમાં કટ્ટરવાદી તત્ત્વોએ અત્યંત ક્રુરતા અને બર્બરતા પૂર્વક આચરેલા ભયાનક રીતે ૨૩ને જીવતા સળગાવી મુકવાનાં હત્યાકાંડનાં આજે સત્તર વર્ષ બાદ પણ આ ગોજારી ઘટનાંમાં સર્વસ્વ ગુમાવનારાઓનાં હૃદય પર પડેલા ઘા રૂઝાયા નથી,પાંચ થી વધુ પરિવારો આજે ૧૭ વર્ષ બાદ પણ ઓડ ગામમાં પરત ફરવામાં દહેસત અનુભવી રહ્યા છે તો કેટલાક પોતાનાં મકાનમાં પરીવારજનોએ સળગતી આગમાથી બચવા પાડેલી દર્દનાક ચીસો તેમને સુવા નહી દે અને તેમના જખમો તાજા કરી પરીવારજનોની સતત યાદ આવતી રહેસે તેનાં કારણે વતન છોડી નજીકનાં અન્ય ગામોમાં વસવાટ કરી રહ્યાછે,જયારે જે પરિવારો આજે ગામમાં પરત ફરીને રહી રહ્યા છે, તેઓને પણ સતત દહેસતનો અનુભવ થઈ રહ્યો છે. ૨૩ જણાને જીવતા સળગાવી દેવાની ફરિયાદના મુખ્ય ફરિયાદી રફીકભાઈ ખલીફા આજે ૧૭ વર્ષ બાદ પણ વતનમાં પરત ફર્યા નથી. જ્યારે પીરાવાળી ભાગોળ પાસે આવેલા મુરાદમીંયા અને અકબરખાનનાં મકાનને કટ્ટરવાદી તત્વોએ પેટ્રોલ અને કેરોસીન છાંટીને સળગાવી મુકતા અકબરખાન અને તેમનાં પુત્ર મહમદખાનની નજર સામે તેમનાં પરિવારનાં સાત સભ્યો આગમાં બળીને ભડથું થઈ ગયા હતા. આ દર્દનાક ઘટના અંગે મહમદખાનએ જણાવ્યું હતું કે તેઓ આજે પણ આ ગોજારી ધટનાને ભુલી શકયા નથી,તેઓ આ ધટના યાદ કરતા જ ધ્રુજી ઉઠે છે,તેમણે કહ્યું હતું કે આ કૃત્ય આચરનાર કટ્ટરવાદી તત્વોને કોર્ટએ કેટલાકને સજા કરી છે,જયારે કેટલાક નિર્દોષ છુટી ગયા છે,જેથી તેઓને સંપૂર્ણ ન્યાય મળ્યો નથી તેવી લાગણી વ્યકત કરી હતી,તેઓએ વધુમાં કહ્યું હતું કે તોફાનોમાં સ્વજનો ગુમાવ્યા બાદ તેઓ સતત ત્રણ વર્ષ ગામ છોડીને બહાર રહ્યા છે,તે દરમિયાન તેઓએ અનહદ પીડા ભોગવી છે,તેમજ સામાન્ય રીતે પરિવારમાં કોઈ સ્વજનનું મોત થાય તો કબ્રસ્તાનમાં દફન કરી વાર તહેવારે તેઓ કબર પર જઈને ફાતેહા પઢી શકે છે,પરંતુ તેઓનાં પરિવારનાં જીવતા સળગાવી મુકેલા સ્વજનોની તેઓને નિશાની પણ મળી નથી,જેથી તેઓ તેઓની દફનિવિધી પણ કરી શકયા નથી, સુરીવાળી ભાગોળે રહેતા રફીકઅલી સૈયદનાં પિતાને કટ્ટરવાદી તત્વોએ સ્કુટર સાથે બાંધીને સળગાવી મુકયા હતા,આ દ્રષ્ય આજે પણ તેઓને રાત્રે ઉંઘમાંથી જગાડી દે છે,તેમણે કહ્યું હતું કે તેમનાં પિતાની હત્યાની અગલથી પોલીસે એફઆઈઆર નહી નોંધવાનાં કારણે તેમજ પીરાવાળી ભાગોળે ૨૩ જણાને જીવતા સળગાવી મુકવાની ધટનામાં સામેલ કરી દેવાનાં કારણે આરોપીઓ સહેલાઈથી છૂટી ગયા અને તેઓને પોતાની પિતાની હત્યામાં ન્યાય મળ્યો નથી તેવી લાગણી વ્યકત કરી હતી.

ઓડના તોફાન અસરગ્રસ્તોને સહાય
ચુકવવામાં ૧૭ વર્ષ બાદ પણ ‘ઠાગા ઠૈયા’

આ ઘટનાના ૧૭ વર્ષ બાદ પણ મકાનો ગુમાવનાર તોફાન પીડિતોને રાજય સરકાર દ્વારા મકાન સહાય ચુકવવામાં નહી આવતા તોફાન પીડીતોમાં ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે,આ અંગે તોફાન પીડીતોએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજુઆત પણ કરી છે. ઓડના બનાવમાં કટ્ટરવાદી તત્વો દ્વારા દુકાનોમાં આગ ચાંપી ભારે નુકસાન કર્યું હતું, પરંતુ તોફાનો બાદ અધિકારીઓ દ્વારા લઘુમતીઓના નુકસાનગ્રસ્ત મકાનો અને દુકાનોના સર્વે દરમિયાન ઘરવખરી મકાન અને દુકાનો, ફર્નિચરની ઓછી આકારણી કરવાના કારણે નુકસાનીના પ્રમાણની સામે વળતર સહાય ખૂબ જ ઓછી મળી છે. કોમી તોફાનો બાદ વર્ષ ૨૦૦૨માં કેન્દ્રની વાજપાઈ સરકારએ મકાન અને દુકાનમાં નુકશાન થનારને ૫૦ હજારની સહાય તાત્કાલિક ધોરણે ચુકવવા પેકેજની જાહેરાત કરી હતી તેમજ ત્યારબાદ તત્કાલીન કેન્દ્ર સરકારે આ સહાયમાં દસ ગણો વધારો કરી પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી,પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકારએ જાહેર કરેલા પેકેજ અનુસાર સહાયની રકમ ચુકવવામાં આવી નથી અને તોફાન પીડીતોને અન્યાય કરવામાં આવ્યો છે. આ અંગે ઓડ ગામનાં તોફાન પીડીત અનવરમીંયા અકબરમીંયા મલેક સહીત ૧૦૬ થી વધુ તોફાન પીડીતોએ રાજયનાં મહેસુલ વિભાગનાં સેકશન અધિકારીને પત્ર લખીને બાકીની મકાન સહાયની રકમ ચુકવવાની માંગ કરી છે.તેમજ તા.૧૭-૦૫-૨૦૧૮નાં રોજ આ મકાનોનું સર્વે તેમજ પંચકયાસની તમામ કામગીરી પુરી થઈ ગયા હોવા છતાં સહાયની રકમ ચુકવવામાં આવતી નથી જેથી જાહેર કરાયેલા પેકેજ અનુુસાર તોફાનપિડીતોને પાંચ લાખની સહાયની રકમ સત્વરે ચુકવી આપવા પણ માંગ કરવામાં આવી છે.