(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૪
આણંદની સામરખા ચોકડી ઓવરબ્રીજ પર આજે બપોરનાં સુમારે વડોદરાથી અમદાવાદ તરફ પુરઝડપે જઈ રહેલી કાર આગળ જતા ટ્રેલરની પાછળ ધડાકા સાથે અથડાતા કારનો લોચો વળી ગયો હતો અને કારમાં સવાર અમદાવાદનાં દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં મહિલાનું ઘટના સ્થળેજ મોત નિપજયું હતું. જયારે ઈજાગ્રસ્તને ત્વરીત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડયા હતા.
મળતી વિગતો અનુસાર અમદાવાદનાં બોપલ વિસ્તારમાં સારથી બંગલોમાં રહેતા કિશોરભાઈ ગોરધનભાઈ અંકોલીયા ખાનગી બિલ્ડરને ત્યાં નોકરી કરે છે,જેઓ આજે જન્માષ્ટમીનું પર્વ હોઈ પોતાની પત્ની દક્ષાબેનને કારમાં લઈ પોઈચા દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે ફુલ સ્પીડમાં જતી કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.
ઘટનાની જાણ થતા આણંદ ટાઉન પોલીસ પણ ધટના સ્થળે દોડી ગઈ હતી અને કાર ચાલકનાં ખીસ્સામાંથી મળેલા લાયસન્સ તેમજ મોબાઈલફોનનાં આધારે તેઓનાં સગાસંબધીઓને જાણ કરતા તેઓ આણંદ ખાતે દોડી આવ્યા હતા બનાવ અંગે હાલમાં આણંદ ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.