(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૨
તારાપુર તાલુકાના ગલીયાણા ગામની સીમમાં તારાપુર-વટામણ હાઈવે પર બુધવારની રાત્રીના ૧૨-૩૦ વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે જતી ટ્રકના ચાલકે કારને ટક્કર મારતા કારમાં સવાર ચાર યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જે બનાવ અંગે તારાપુર પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ભાવનગરમાં રેલ્વે હોસ્પિટલ પાછળ રહેતા મનોજભાઈ બીપીનભાઈ રાઠોડ રેલ્વે વિભાગમાં સ્ટેશન ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. જેઓ ગઈકાલે રાત્રીના ૯ વાગે પોતાના મિત્રો સિદ્ધાર્થ ઉર્ફે ભોલો કિરણભાઈ સંઘરાજકા, મયુરસિંહ ભગીરથસિંહ ગોહિલ અને નરેન્દ્રસિંહ ગોહિલ સાથે પોતાની કાર લઈ મુંબઈ ફરવા જવા નીકળ્યા હતા. અને કારનું ડ્રાઈવીંગ મયુરસિંહ ગોહિલ કરી રહ્યા હતા. તેઓની કાર રાત્રીના ૧૨-૩૦ વાગ્યાના સુમારે વટામણ-તારાપુર રોડ ઉપર ગલીયાણા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે કારને ટક્કર મારતા કારનો આગળનો ભાગ લોચો વળી ગયો હતો અને કારના ચાલક મયુરસિંહ તથા ડ્રાઈવર સીટની પાછળ બેઠેલા સિદ્ધાર્થ ઉર્ફે ભોલોને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે મનોજભાઈ અને નરેન્દ્રસિંહ ગોહિલને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને લઈને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને આસપાસના લોકોએ ૧૦૮ ને જાણ કરતા ઘવાયેલા ચારેય જણાને ત્વરીત સારવાર માટે ૧૦૮ ની એમ્બ્યુલન્સ વાનમાં તારાપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. જ્યાં ગંભીરપણે ઘવાયેલા મયુરસિંહ તથા સિદ્ધાર્થભાઈને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા તારાપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે માર્ગ પરથી ખસેડી દુર કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે મનોજભાઈ બીપીનભાઈ રાઠોડની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તારાપુરના ગલિયાણા ગામ નજીક કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં બેનાં મોત

Recent Comments