આણંદ, તા.૧૪
આણંદ જિલ્લામાં બોરસદ ધર્મજ માર્ગ પર ડભાસી ગામ નજીક કાર અને લકઝરી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર મહિલાને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ઉમરેઠ નજીક એસટી બસની ટકકરે બાઈક સવાર યુવકનું મોત નિપજતા બંને બનાવો અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મળતી વિગતો અનુસાર બોરસદ તાલુકાના ડભાસી ગામ નજીક આજે બપોરના સુમારે લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારનો લોચો વળી ગયો હતો અને કારમાં સવાર એક મહિલાને ગંભીર ઇજાઓ થતા મોત નિપજયુ હતું જયારે કારમાં સવાર અન્ય બે મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, આ ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા બંને મુસાફરોને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાને લઈને બોરસદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી આ ઘટના અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં ઉમરેઠ પાસે આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતી એસટી બસના ચાલકે પસાર થતી મોટર સાઈકલને ટક્કર મારતા મોટર સાયકલ ચાલકને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે બનાવ અંગે પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.