(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૩૦
રાષ્ટ્રીયકૃત બેંકોનાં અધિકારીઓ અને કર્મચારીઓનાં વેતન વધારાની માંગણીના ટેકામાં યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનનાં બે દિવસીય હડતાલના એલાનના સમર્થનમાં આણંદ જિલ્લામાં આજે વિવિધ રાષ્ટ્રિયકૃત્ત બેંકો બે દિવસીય બંધમાં જોડાતા ૧૦૦કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેકશન ઠપ્પ થઇ ગયુ હતું. આજે આણંદ જિલ્લાની ૧૫ થી વધુ રાષ્ટ્રીય અને જાહેરક્ષેત્રોની બેંકોની ૨૭૫ થી વધુ શાખાઓના ૨૫૦૦થી વધુ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને જેની સીધી અસર વેપાર-ધંધાઓ ઉપર પણ પડેલી જોઇ શકાતી હતી. ઈન્ડીયન બેંકસ એસોસીએશન દ્વારા નવેમ્બર ર૦૧૭થી નવા સેટલમેન્ટ માટે બે ટકાનો વેતન વધારો સુચવવામાં આવ્યો છે તે અપુરતો હોવાથી વેતન વધારો વધુ કરવા તેમજ અન્ય માંગણીઓના ટેકામાં આજે અપાયેલા બેંક હડતાળના સમર્થનમાં આણંદ જીલ્લાની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા જેના કારણે અનેક એટીએમ મશીનોમાં રોકડ રકમ ખોટી પડી હતી અને લોકોને બેંકના ધરમધક્કા ખાવા પડયાં હતાં. આ અંગે બેંક યુનીયન ફોરમના જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની કર્મચારી વિરોધી નીતિઓના વિરોધમાં તેમજ બેંક કર્મચારીઓના પગાર વધારા સહીતના જુદા જુદા મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર સમક્ષ અનેકવાર રજુઆતો કરવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ અને અધિકારીઓ ની રજુઆતો ધ્યાનમા નહીં લેવાતાં જેને લઈને અપાયેલા બેંક હડતાળના એલાનમા આણંદ જીલ્લાની તમામ બેંકોની તમામ શાખાના કર્મચારીઓ અને અધિકારીઓ આ હડતાલમાં જોડાતાં હડતાલ સફળ થવાના કારણે આજે બેંકો સજ્જડ બંધ રહી હતી.