(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૮
આણંદ જિલ્લામાં બનેલા વાહન અકસ્માતના જુદાજુદા ત્રણ બનાવોમાં એક છ વર્ષના બાળક સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જેમાં ભાલેજ પણસોરા રોડ ઉપર અજાણી ટ્રકના ચાલકે ટક્કર મારી દેતા બાઈક ઉપર સવાર છ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું જ્યારે બેને ઈજાઓ પહોંચી હતી.
પ્રથમ બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર સાવલી તાલુકાના નવાપુરામાં રહેતા મનુભાઈ છત્રસિંહ ચૌહાણ પોતાની પત્ની જશીબેન દિકરી પ્રિયાબેન ઉ.વ.૧૧ અને દિકરો કૌશિક ઉ.વ.૬ને મોટરસાયકલ પર બેસાડી રક્ષાબંધનના તહેવારને લઈને કૈયજ જવા માટે નીકળ્યા હતા. તેઓ સવારે અગિયાર વાગ્યાના સુમારે ભાલેજ પણસોરા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી અજાણી ટ્રકના ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી દેતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર ચારેય જણાં રોડ ઉપર પટકાયા હતા. જેમાં મનુભાઈ, પ્રિયાબેન અને કૌશિકને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં કૌશિકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોઈ હોસ્પિટલના તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો.
બીજા બનાવમાં સોજીત્રા તાલુકાના કાસોરમાં લાડકુઈ સીમમાં રહેતા ગોરધનભાઈ મનોરભાઈ પરમાર ગતરોજ પોતાના ખેતરમાં જવા માટે ચાલતા ચાલતા પેટલી મલાતજ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતા મોટરસાયકલના ચાલકે ગોરધનભાઈને હડફેટમાં લઈ ટક્કર મારી દેતા તેઓને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે બાઈક પાછળ બેઠેલ બહેનને પણ ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાગ્રસ્ત ગોરધનભાઈને તાત્કાલીક સારવાર માટે ચાંગા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મોત નિપજ્યું હતું.
જ્યારે ત્રીજા બનાવમાં બોરસદ ભાદરણ રોડ ઉપર વાસદ ચોકડી નજીક ગતરાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહનના ચાલકે રોડ ઉપરથી પસાર થતી ૬૦ વર્ષની ભિખારી જેવી મહિલાને ટક્કર મારી દેતા મહિલાને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અજાણી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જેથી આ અંગે બોરસદ શહેર પોલીસે આરીફભાઈ ગફુરભાઈ વ્હોરા રહે.આમલીવાલા પાર્ક, બોરસદની ફરિયાદના આધારે અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.