(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.ર૪
પેટ્રોલ ડીઝલમાં થયેલા અસહ્ય ભાવવધારામાં સામાન્ય મધ્યમ વર્ગની પ્રજા ત્રસ્ત થઈ ઉઠી છે. જેને લઈને આજે આણંદ જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સાવજસીંહ ગોહીલના નેતૃત્વમાં ગ્રીડ ચોકડી પાસે કોંગ્રેસ સમિતિ ખાતેથી જનઆક્રોશ રેલી નીકળી હતી. જેમાં યુથ કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ તેમજ મહિલા કોંગ્રેસના કાર્યકરોએ ભાવવધારાના વિરોધમાં પ્લે કાર્ડ પ્રદર્શીત કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું આ રેલી ગ્રીડ ચોકડી પાસેથી પ્રસ્થાન કરી ટાઉનહોલ થઈ કોંગ્રેસ સમિતિ ખાતે પરત ફરી હતી જયાં રેલી સમાપન થઈ હતી. આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરો ઉંટગાડી પર સવાર થઈ તેમજ સાયકલો લઈ અને મોટર સાયકલો ઢસેડતાં રેલીમાં જોડાયા હતાં અને પેટ્રોલના ભાવ વધારાનો વિરોધ પ્રદર્શીત કર્યો હતો. આ રેલીમાં આણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢીયાર, પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી અલ્પેશ પુરોહીત, મહિલા કોંગ્રેસ અગ્રણી ઈશ્વરીબેન શર્મા, ગીતાબેન સોલંકી, કાઉન્સીલર સલીમસા દીવાન, જતીન દવે, લાંભવેલના સરપંચ મહેશ રાઠોડ, અલ્પેશ પટેલ, સહિત મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. આ અંગે સાવજસીંહ ગોહીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં પેટ્રોલ ડીઝલના ભાવ તેની ઐતીહાસીક સપાટીએ પહોંચ્યાં છે. જેને લઈને સામાન્ય અને મધ્યવર્ગની પ્રજા હાડમારી અનુભવી રહી છે.