(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૯
આણંદ જીલ્લા જમિયતે ઉલેમાએ હિંદના એક પ્રતિનિધિ મંડળ આણંદના નિવાસી અધિક કલેકટર આર.જી.જાડેજાને મળ્યું હતું અને પ્રતિનિધિ મંડળે ગુજરાત વાહનવ્યવહાર નિગમના મેનેજિંગ ડિરેકટર સોનલબેન મિશ્રાને સંબોધીને લખેલું આવેદનપત્ર અધિક કલેકટર આર.જી.જાડેજાને સુપ્રત કર્યું હતું તેમજ જનરલ સેક્રેટરી એમજી ગુજરાતીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આણંદનું જૂનું બસસ્ટેન્ડ ૭૦ વર્ષથી વધુ સમયથી કાર્યરત છે અને ર૦૦રમા સમગ્ર ગુજરાતમા કલંકિત બનાવો બન્યા હતા અને તે અંતર્ગત એક બનાવ જૂના બસ સ્ટેન્ડમાં પણ બન્યો હતો. જેના ઓથા હેઠળ કેટલાક પરિબળો દ્વારા જૂના બસ સ્ટેન્ડને બંધ કરી સરદાર બાગ સામે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવ્યું હતું અને તેના એક વર્ષ બાદ જૂના બસ સ્ટેન્ડને પિકઅપ સ્ટેન્ડ તરીકે કાર્યરત કરવામાં આવ્યું હતું. ત્યારે આ જર્જરિત જૂના બસ સ્ટેન્ડને તોડીને એસ.ટી.તંત્ર દ્વારા સરકારના વિકાસના અભિગમ હેઠળ અદ્યતન બસસ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ કરવામા આવી છે. ત્યારે કેટલાક મુસ્લિમ વિરોધી પરિબળો દ્વારા આ જૂનું બસસ્ટેન્ડ મુસ્લિમ વિસ્તારની નજીકમાં આવેલું હોઈ તેમજ આ વિસ્તારમાં મુસ્લિમ વહેપારીઓની દુકાનો તેમજ નાની લારીઓમાં અન્ય લોકોની સાથે મુસ્લિમો પણ ધંધો કરતા હોઈ તેનાં કારણે માત્ર મુસ્લિમોનાં વિરોધનાં કારણે વિકાસના આ કામ આડે રોડા નાંખી પોતાના અંગત હિત માટે જૂના બસસ્ટેન્ડના નિર્માણ કાર્યને અટકાવવામા આવ્યું છે તેમજ જે સ્થળે તેઓ નવું બસસ્ટેન્ડ બનાવવાની માંગ કરી રહ્યા છે તે જમીન અંગે નગરપાલિકાના પ્રમુખે જ સોગંદનામું કરી આ બસસ્ટેન્ડની નીચેથી હાઈરાઈજીગ ગટર પાઈપલાઈન પસાર થતી હોઈ ભવિષ્યમા મોટી દુર્ઘટના સર્જાવાની ભીતીને લઈને આ જમીન નગરપાલિકાને પરત સોંપવાની માંગ કરી હતી. ત્યારે હાલમાં કેટલાક મુસ્લિમ વિરોધી તત્ત્વો આ જમીન પર જ નવું બસસ્ટેન્ડ બનાવવાની માંગ કરી રહ્યા છે જે પ્રજાના હિતમાં નથી.
આ પ્રતિનિધિ મંડળમાં આણંદ જિલ્લા જમિયતે ઉલેમાના જનરલ સેક્રેટરી એમ.જી.ગુજરાતી, જિલ્લા જમિયતે ઉલેમાના સેક્રેટરી હાજી સિકંદરભાઈ માસ્તર, આણંદ નગરપાલિકા વિપક્ષના નેતા ઈદ્રીસભાઈ ઉર્ફે ભાણાભાઈ, ઉમ્મીદ ગૃપના પ્રમુખ રિયાજ ઉર્ફે રિલુભાઈ, સામાજિક કાર્યકર આસિમભાઈ ખેડાવાળા, આણંદ શહેર કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ યુનુસભાઈ બતોલા શેઠ, ગામડીના સરપંચ હાજી ઈસ્માઈલભાઈ વ્હોરા, સામાજિક કાર્યકર સકીલભાઈ ચાંપાનેરવાળા, રફીકશા દીવાન સીતલવાળા, આણંદ શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ફિરોજભાઈ મંત્રી, નાપા બચ્ચોં કા ઘરના મૌલાના સોહેલભાઈ કાજી, ઉમ્મીદ ગૃપના ટીકુભાઈ કાજલ રોડવેજવાળા સહિત અગ્રણીઓ જોડાયા હતા.