(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૪
આણંદ શહેરમાં રહેતી અને ધોરણ ૧૨માં અભ્યાસ કરતી સગીરાને બહેનપણીના પિતાએ બાઈક ઉપર બેસાડી ડાકોર ગેસ્ટહાઉસમાં લઈ જઈ તેણીને ધમકીઓ આપી મરજી વિરૂધ્ધ ત્રણ ત્રણ વખત દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી જવા પામી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આણંદ શહેરમાં પાધરીયા વિસ્તારમાં રહેતી એક ૧૭ વર્ષ ૨ માસની સગીરા ધો.૧૨માં અભ્યાસ કરે છે તેની નજીકમાં જ રહેતી બહેનપણીના ઘરે જતા તેણીના પિતા રાજુ પીટરભાઈ પરમાર ઉ.વ.૫૦ તેણીની એકલતાનો લાભ લઈ અડપલા કરતા હતા.દરમ્યાન ગત ૧૩મી જુલાઈના રોજ સગીરા ટ્યુશન જવા માટે નીકળી હતી ત્યારે રાજુ પરમાર બાઈક લઈને આવ્યો હતો અને ચાલ બેસી જા તને ફરવા લઉં જાઉં તેમ જણાવતા સગીરા વિશ્વાસમાં બાઈક પર બેસી ગઈ હતી ત્યારબાદ રાજુ પરમાર તેણીને ડાકોર રોડ ઉપર આવેલા ઈન્દ્રપ્રસ્થ ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો અને સગીરાને ધમકીઓ આપી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાએ બીકના મારે કોઈને આ વાત કહી ન હતી.
ગત ૧૨મી સપ્ટેમ્બરના રોજ ફરીથી ટ્યુશન જવા નીકળેલી સગીરા પાસે રાજુ પરમાર આવ્યો હતો અને ગઈ વખતની વાત તારા પિતાને કહી દઈશ તેવી ધમકી આપી ફરીથી ડાકોર ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો અને ત્રણ ત્રણ વખત દુષ્કર્મ આચર્યા બાદ સાંજના સુમારે ફરીથી ઘંટી પાસે છોડી ફરાર થઈ ગયો હતો.દરમ્યાન સગીરા ઘરે જઈને ગભરાયેલી રહેતા તેણીના પિતાને શંકા ગઈ હતી જેથી તેઓએ સગીરાની શાંતિપૂર્વક પુછપરછ કરતા રાજુ પરમારે આચરેલા કૃત્ય અંગે સઘળી હકિકત જણાવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તેણીના પિતા સગીરાને લઈને આણંદ શહેર પોલીસ મથકે દોડી ગયા હતા જ્યાં પોલીસને સઘળી હકિકત જણાવતા પોલીસે સગીરાની ફરીયાદના આધારે રાજુ પીટરભાઈ પરમાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.