(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૪
રાજકોટની કુખ્યાત બુટલેગર મહિલા સોનુ ડાંગર દ્વારા મહાન પયગમ્બર હઝરત મોહંમદ મુસ્તુફા સલ્લલાહો અલયહે વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરીને તેઓની વિરૂદ્ધમાં અભદ્ર ટિપ્પણીઓ કરતા મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે, જેને લઈને આજે આણંદ શહેરના ઉમ્મીદ ગ્રુપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને સોનુ ડાંગર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આજે આણંદ શહેરના ઉમ્મીદ ગ્રુપના પ્રમુખ રિયાઝ ઉર્ફે રીલુના નેતૃત્વમાં મુસ્લિમ યુવાનોના પ્રતિનિધિમંડળે આણંદના કલેક્ટર ડા.ધવલકુમાર પટેલની મુલાકાત કરીને તેઓને હઝરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ)ના અપમાનની વિરૂદ્ધમાં રજૂઆત કરતા રિયાઝ ઉર્ફે રીલુએ જણાવ્યું હતું કે, હઝરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ.) સાહેબે અમન અને માનવતાનો સંદેશ આપ્યો છે, ત્યારે તેઓની શાનમાં સોનુ ડાંગરે ગુસ્તાખીભર્યા શબ્દો ઉચ્ચારીને સમગ્ર મુસ્લિમ સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડી છે, જેથી સોનુ ડાંગરની સોશિયલ મીડિયામાં પ્રવૃત્તિ બંધ કરવા તેમજ સમગ્ર સમુદાયની લાગણીને દુભાવનાર આ મહિલાની વિરૂદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ પ્રસંગે ઉમ્મીદ ગ્રુપના ઉપપ્રમુખ ટીકુભાઈ કાજલ રોડવેજવાળા, સકીલભાઈ ચાંપાનેરવાળા, ઈરફાનભાઈ પ્રગતીવાળા, કામીલભાઈ બોરિયાવીવાળા, ઈમરાનભાઈ કલાસીક સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા, અને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.