(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૩
આણંદ જિલ્લાનાં સોજીત્રા ખાતે લોકસભા તથા રાજયસભામાં પસાર કરાયેલા નાગરીકતા સુધારા બીલનાં વિરોધમાં શુક્રવારનાં રોજ જમીયતે ઉલેમાએ હિંદ સોજીત્રા તાલુકાનાં ઉપક્રમે બપોરે જુમ્માની નમાઝ બાદ વિરોધ પ્રદર્શન પ્લેકાર્ડ અને બેનરો પ્રદર્સીત કરી નાગરીકતા સુધારા બીલનાં વિરોધમાં સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મળતી વિગતો અનુસાર નરેન્દ્ર મોદીની એનડીએ સરકાર દ્વારા તાજેતરમાં લોકસભા અને રાજયસભામાં બહુમતીનાં જોરે નાગરીકતા સુધારા બીલ પસાર કરતા સમગ્ર દેશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે,અને દેશનાં બુદ્ધિજીવીઓ દ્વારા પણ આ બીલને ભાગલાવાદી બીલ ગણાવ્યું છે, જેને લઈને જમીઅતે ઉલેમા દ્વારા દેશ ભરમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત આજે સોજીત્રા નગરમાં વ્હોરવાડમાં જમીઅતે ઉલેમાએ હિંદનાં આણંદ જિલ્લા પ્રમુખ મુફતી ઈલ્યાસ મજાહીરીનાં નેતૃત્વમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા મુસ્લિમ બિરાદરો દ્વારા નાગરીકતા સુધારા બીલનો વિરોધ કરી બીલનાં વિરોધમાં સુત્રો લખેલા પ્લેકાર્ડ તેમજ બેનરો પ્રદર્સીત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.તેમજ બંધારણ બચાવો અને એક દેશ એક રાષ્ટ્રનાં સુત્રોચ્ચાર કરી આ બીલનો વિરોધ પ્રદર્સિત કર્યો હતો.
આ અંગે જમીઅતે ઉલેમા આણંદ જિલ્લાનાં પ્રમુખ મુફતી ઈલ્યાસ મજાહીરી, સોજીત્રા નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ ઈદ્રીસભાઈ વાડાવાળા, કાઉન્સીર મહેબુબભાઈ ઉમ્મીદવાળા, કાઉન્સીલર ઈમરાન કાઝી, કાઉન્સિલર સફીભાઈ તેમજ જમીઅતે ઉલેમાનાં જિલ્લા સેક્રેટરી માસ્ટર જાવેદ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નાગરીકતા સુધારા બીલનો વિરોધ કરી આ બીલને મુસ્લિમ વિરોધી બીલ ગણાવ્યું હતું.
નડિયાદના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
સોજીત્રા ખાતે જમીઅતે ઉલેમા દ્વારા નાગરીકતા સંશોધન વિધેયકનાં વિરોધ પ્રદર્શન યોજનારા હોવાનાં સમાચાર ગુજરાત ટુડેમાં પ્રસિદ્ધ થયા બાદ નડિયાદનાં મીલન રામાણી નામનાં યુવકએ આ સમાચારનાં કટીંગની નીચે ભારતનાં દેશદ્રોહી લખી આ વાંધાજનક ટીપ્પણી સાથે સમાચારનું કટીંગ પોતાનાં મોબાઈલ નંબર ૮૮૬૬૧૭૬૭૭૭નાં વોટસએપ સ્ટેટસ પર મૂકતા જેનાં કારણે દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનાર દેશપ્રેમી સંસ્થા જમીઅતે ઉલેમાની પ્રતિષ્ઠા ખરડાતાં તેમજ મુસ્લિમ સમાજની લાગણી દુભાતાં આ બનાવ અંગે સોજીત્રાનાં જમીઅતે ઉલેમાનાં સભ્ય અકરમભાઈ ઈદ્રીસભાઈ વ્હોરાએ સોજીત્રા પોલીસ મથકે મીલન રામાણી રહે.નડિયાદ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત ફરિયાદ આપી હતી.