(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૬
આણંદ શહેરમાં ગઈકાલે રાત્રીના સુમારે મેલડી માતા ઝુંપડપટ્ટી પાસે પૈસાની લેતીદેતી બાબતે એક યુવાનની છાતીમાં ગોળી ઘરબી દઈને કરપીણ હત્યા કરી દેવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. શહેર પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી અનુસાર આણંદ શહેરની મેલડી માતા ઝુંપડપટ્ટીમાં રહેતો સંજયભાઈ શિવાભાઈ દેવીપુજક કપડાની ફેરી ફરીને જીવન ગુજરાન ચલાવતો હતો. તેને છેલ્લા કેટલાક સમયથી આણંદના ભાલેજ ઓવરબ્રીજ પાછળ આવેલી બીસ્મીલ્લા સોસાયટીના હઝરતપાર્કમાં રહેતા ઈલ્યાસ ઉર્ફે મચ્છી હમીદભાઈ શેખ સાથે પૈસાની લેવડ દેવડ બાબતે વિવાદ ચાલતો હતો અને આ બાબતે તેઓ વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો અને ત્યારે પણ ઈલ્યાસ મચ્છી સંજય પર ઉસ્કેરાઈ ગયો હતો દરમ્યાન ગઈકાલે રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે ઈલ્યાસ મચ્છી એક્ટીવા પર સવાર થઈને મેલડી માતા ઝુંપડપટ્ટી પાસે આવી સંજયની રાહ જોતો ઉભો હતો, ત્યારબાદ સંજય પોતાનાં મિત્રો રોહિત ઉર્ફે બાઠીયો મહેશભાઈ દરબાર અને સલીમ રીક્ષાવાળા સાથે મેલડી માતાનાં મંદીર પાસે આવ્યા હતા અને સંજય પોતાનાં ધર તરફ જતો હતો ત્યારે ઈલ્યાસ મચ્છીએ સંજયને બોલાવીને તેની સાથે પૈસાની માંગણી કરીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. દરમ્યાન એકદમ ઉશ્કેરાઈ ગયેલા ઈલ્યાસ મચ્છીએ પોતાની પાસેની પીસ્ટલ કાઢી હતી અને તેને લોડ કરીને સંજયની છાતી સામે ધરી દઈને નજીકથી ફાયરીંગ કરતા સંજયને છાતીમાં ગોળી વાગતા સંજય ત્યાંજ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્‌યો હતો. એ સાથે જ ઈલાયાસ મચ્છી પોતાનાં સાગરીતની એક્ટીવા પર બેસીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ રોહિત ઉર્ફે બાઠીયાએ સંજયનાં ઘરે જઈને જાણ કરતાં સંજયનાં પિતા શીવાભાઈ અને પત્ની બરખા દોડી આવ્યા હતા અને ગંભીરપણે ધવાયેલા સંજયને નજીકની હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા જા કે ત્યાં તપાસીને સરકારી દવાખાનામાં લઈ જવાનું જણાવતાં જ સંજયને રીક્ષામાં આણંદની એક ખાનગી હોસ્પીટલમા લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ આણંદ શહેર પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મૃતક સંજયની લાશનો કબ્જા લઈને પીએમ માટે આણંદ નગરપાલિકા હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી. ત્યારબાદ તેના પિતા શિવાભાઈની ફરિયાદને આધારે હત્યાનો ગુનો દાખલ કરીને ઈલ્યાસ મચ્છીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, પોલીસે આજે સવારે એફએસએલ અધિકારીની મદદથી ધટના સ્થળેથી ફુટેલા કારતુસનું ખોખું તેમજ લોહીનાં સેમ્પલ એકત્ર કર્યા હતા.આ ધટનાને લઈને લોકોનાં ટોળે ટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતા.
એક માસમાં બે સગા ભાઈઓનાં અકાળે મોત
હત્યાનો ભોગ બનનાર સંજય વાધરીનાં નાના ભાઈનું આજથી એક માસ પૂર્વે હાર્ટ એટેકમાં મોત નિપજયું હતું જયારે આજે સંજયની હત્યા થતા એક જ માસમાં બે યુવાન ભાઈઓનાં મોત નિપજતા તેમનાં માતા પિતાએ ભારે આક્રંદ કર્યું હતું, આ ધટનાને લઇને સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.