(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૨
ગુજરાતભરના પ્રાથમિક શિક્ષકોની વિવિધ પડતર માગણીઓને લઈને શિક્ષકોએ આજે માસ સીએલ ઉપર ઉતરી વિધાનસભાના ઘેરાવના આપેલા એલાનને લઈને આજે આણંદ જિલ્લામાં ૭ હજારથી વધુ શિક્ષકોએ માસ સીએલ પર ઉતરી હડતાળ કરતા જિલ્લાભરની તમામ પ્રાથમિક શાળાઓમાં આજે શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઈ જવા પામ્યું હતું. જ્યારે પોલીસ દ્વારા વિધાનસભામાં ઘેરાવ કરવા જતાં ૫૬થી વધુ શિક્ષક આગેવાનોની ધરપકડ કરી હતી.
મળતી વિગતો અનુસાર આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ હડતાળમાં જોડાતાં આજે આણંદ જિલ્લાની જિલ્લા પંચાયત તેમજ નગર પ્રાથમિક શિક્ષક સમિતિ સંચાલિત શાળાઓના ૭ હજારથી વધુ શિક્ષકો માસ સીએલ ઉપર ઉતરી હડતાળમાં જોડાયા હતા. જેને લઈને શૈક્ષણિક કામગીરી ઠપ્પ થઈ જવા સાથે પ્રાથમિક શાળાના સંકુલોમાં આજે સુનકાર છવાયેલો જોવા મળતો હતો.
આણંદ, વલ્લભ વિદ્યાનગર, તારાપુર અને પેટલાદમાં આજે પોલીસે વિધાનસભા ઘેરાવ માટે જતાં પ૬થી વધુ શિક્ષકોની અટકાયત કરી હતી. જેમાં પોલીસે તારાપુર ચોકડી પાસેથી ૧૯, પેટલાદમાંથી ૧૯ અને વલ્લભ વિદ્યાનગરમાં પેટલાદ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ રીતેશભાઈ પટેલ, મહામંત્રી જગદીશભાઈ સોલંકી, કારોબારી સભ્ય નરેન્દ્રભાઈ મહીડા, ઈસબભાઈ ખ્રિસ્તી, ઉપપ્રમુખ અને મહિલા કારોબારી સભ્ય સ્નેહાબેન ભટ્ટ, વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા પ્રાથમિક શાળા શિક્ષક સંઘના ઉપપ્રમુખ પ્રકાશભાઈ સહિત ૧૭ શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી.
આ અંગે પેટલાદ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ રીતેશ પટેલે જણાવ્યું હતું કે, તેઓ શાંતિપૂર્ણ રીતે વિધાનસભા ઘેરાવના કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. તેમ છતાં પોલીસે તેઓની ગેરકાયદેસર રીતે અટકાયત કરી વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકમાં ગોંધી નાંખવામાં આવ્યા છે. તેઓએ આ ગેરકાયદેસર અટકાયતનો વિરોધ કરી પોલીસ મથકની બહાર જ પોતાની વિવિધ માંગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.