(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૨૮
ઉત્તર ભારતમાં થઈ રહેલી ભારે હીમવર્ષાને લઈને ઉત્તર પુર્વિય ઠંડા બર્ફીલા પવનો ફુંકાવાના કારણે આણંદ શહેર સહિત જીલ્લાભરમાં આજે સતત બીજા દિવસે કાતિલ ઠંડીનો સપાટો જારી રહ્યો હતો અને ગઈકાલ કરતા પણ આજે તાપમાનમાં વધુ ઘટાડો થતા લઘુતમ તાપમાન ૯.૦ ડી.સે. નોંધાતા આજે મોસમનો સૌથી નીચું તાપમાન નોંધાયું છે. જેને લઈને સમગ્ર જીલ્લામાં કાતિલ ઠંડીનો સપાટો ફરી વળ્યો છે.
ગઈકાલે ૧૦.૫ ડી.સે. લઘુતમ તાપમાન નોંધાયા બાદ આજે લઘુતમ તાપમાનમાં ૧.૫ ડી.સે.નો ઘટાડો થયો હતો. અને તાપમાન ૯ ડી.સે. પર ઉતરી જતાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
કાતિલ ઠંડીના કારણે વહેલી સવારે શાળામાં જતા માસુમ ભુલકાઓ પર અસર જોવા મળી હતી અને માસુમ ભુલકાઓ સ્વેટર, કાનટોપી જેવા ગરમ વસ્ત્રો પહેરીને શાળામાં જતા જોવા મળ્યા હતા. જ્યારે અનેક શ્રમિક પરિવારો ગત મધ્ય રાત્રીથી આજે વહેલી સવારે તાપણુ સળગાવી કાતિલ ઠંડીથી રક્ષણ મેળવતા જોવા મળ્યા હતા. આણંદ શહેરના શાસ્ત્રી સ્ટેડીયમના વોક-વે પર તેમજ લોટેશ્વર તળાવના વોક-વે પર વહેલી સવારે મોર્નિંગ વોક પર મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અહેવાલ અનુસાર આજે સવારે નોંધાયેલા તાપમાન અનુસાર મહત્તમ તાપમાન ૨૫.૦ ડી.સે., લઘુતમ તાપમાન ૯.૦ ડી.સે., હવામાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા, પવનની દિશા ઉત્તર-પુર્વિય અને પવનની ગતિ પ્રતિ કલાક ૪.૮ ટકા નોંધાઈ છે. હવામાન વિભાગના સુત્રો અનુસાર આગામી બે ત્રણ દિવસ હજુ તાપમાન નીચું જવાની અને ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ રહેલી છે.