(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૭
આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આજે બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગ સાથે આણંદ શહેરની બોરસદ ચોકડીથી રેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને કાર્યકરોએ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
આણંદ શહેરમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા બોરસદ ચોકડી પાસેથી સૂત્રોચ્ચાર કરતા રેલી કાઢી હતી જે રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચતા પોલીસે રેલીને રોકવાનો પ્રયાસ કરતા કાર્યકરો રોડ પર બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરતા કાર્યકરોને પોલીસે કલેક્ટર કચેરીમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ કરતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું તેમજ કાર્યકરો પોલીસને હડસેલીને કલેક્ટર કચેરીમાં ઘૂસી ગયા હતા. કાર્યકરો દ્વારા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપીને બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી નહીં તો માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેવાની સરકારને ચીમકી ઉચ્ચારી હતી.
આ પ્રસંગે યુથ કોંગ્રેસના પ્રમુખ સાવજસિંહ ગોહેલ મહામંત્રી અલ્પેશ પુરોહિત, વિરેન્દ્ર ચાવડા, એનએસયુઆઈની ઉપપ્રમુખ ચેતના રોય, મહામંત્રી શીતલ મિસ્ત્રી, શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢિયાર સહિત મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.