(એજન્સી) લખનૌ, તા.ર૯
આનંદીબેન પટેલે સોમવારે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે શપથ લીધા. લખનૌ રાજભવનના ગાંધી સભાગૃહમાં પટેલને અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ગોવિંદ માથુરે પદ તેમજ ગોપનિયતાના શપથ લેવડાવ્યા. શપથગ્રહણ સમારંભમાં રાજ્યના ગવર્નર રામ નાઈક, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય ઘણાં નેતાઓ પણ હાજર રહ્યા હતા. ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલ તરીકે શપથ લેનાર આનંદીબેન પટેલ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકયા છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બનતા પહેલાં તેણી મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા. જાન્યુઆરી ર૦૧૮માં તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. હવે તેણીને ઉત્તરપ્રદેશ મોકલવામાં આવી છે. સરોજીની નાયડુ બાદ આનંદીબેન પટેલ ઉત્તરપ્રદેશના બીજા મહિલા રાજ્યપાલ છે. ૧૯૪૭માં જ્યારે સરોજીની નાયડુ રાજ્યપાલ બન્યા હતા ત્યારે ઉત્તરપ્રદેશનું નામ યુનાઈટેડ પ્રોવિન્સ હતું. તેણીની આ પદ પર ર માર્ચ ૧૯૪૯ સુધી રહ્યા હતા. એવામાં બંધારણ અમલી બન્યા બાદ આનંદીબેન પટેલ યુપીના મહિલા રાજ્યપાલ બન્યા છે. ર૦ જુલાઈના રોજ રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી કરવામાં આવેલા આદેશ મુજબ યુપી અને બિહાર સહિત છ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂંક કરવામાં આવી છે તેમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ રહી ચૂકેલા આનંદીબેન પટેલને યુપીના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, નાઈકનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ રર જુલાઈએ સમાપ્ત થઈ ગયો હતો. આ અંગે રામ નાઈકે કહ્યું હતું કે મને પદ પર રહેવા માટે ૭ દિવસનું બોનસ મળ્યું છે. તેથી હું આનંદીબેન પટેલનું સ્વાગત કરીને જ અહીંથી જઈશ. ત્યારબાદ તેઓ સોમવારે આનંદીબેન પટેલના શપથગ્રહણ સમારંભમાં સામેલ થયા. એવી પરંપરા રહી છે કે ભૂતપૂર્વ રાજ્યપાલ નવા રાજ્યપાલ શપથ લે તે પહેલાં જ રાજભવનમાંથી ચાલ્યા જાય છે પરંતુ નાઈકે આ પરંપરાને તોડતા એક નવી પરંપરાની શરૂઆત કરી હતી.