(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૨૮
કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડે પોતાના બકવાસ નિવેદનો માટે ટીકાઓના ઘેરામાં આવી ગયા છે. રવિવારે અનંતકુમાર હેગડેએ કર્ણાટકના કોગડુ જિલ્લામાં કહ્યું હતું કે, જે હાથ હિંદુ યુવતીઓને અડે તે હાથ રહેવો જોઇએ નહીં. આ નિવેદન બાદ સોમવારે પણ તેમણે ટિ્‌વટ કરીને કર્ણાટકમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મુસ્લિમ પત્ની અંગે હલ્કી ભાષાનો ઉપયોગ કર્યો છે. તેમના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમની ભારે ટીકા થઇ રહી છે. કેન્દ્રીય મંત્રીએ લોકોવચ્ચે કહ્યું હતું કે, આપણે આપણા સમાજની પ્રાથમિકતા નક્કી કરવી પડશે. જો કોઇ હિંદુ યુવતીનો હાથ પકડે તો તે હાથ રહેવો જોઇએ નહીં. તાજમહેલ મુસ્લિમો દ્વારા બનાવાયું નથી. શાહજહાંએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, તાજમહેલને રાજા જયસિંહાએ બનાવ્યું હતું. તેમણે તાજમહેલને શિવમંદિર ગણાવ્યું હતું. હેગડેએ કહ્યું કે જો આપણે ઉંઘતા રહીશું તો આપણા ઘણા બધા મકાનોનું નામ મંઝિલમાં ફેરવાઇ જશે. ભવિષ્યમાં આપણે ભગવાન રામને જહાંપનાહ કરીને બોલાવીશું અને સીતાને બીબી તરીકે સંબોધીશું.
અનંતકુમાર હેગડેના આ નિવેદનની કર્ણટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે ભારે ટીકા કરી હતી અને અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના ટિ્‌વટમાં લખ્યું હતું કે, સાંસદ અને કેન્દ્રીય મંત્રી તરીકે તમારી શું સિદ્ધિઓ રહી છે ? કર્ણાટકના વિકાસમાં શું યોગદાન રહ્યું છે ? હું ચોક્કસપણે કહીશ કે આવા લોકોનું મંત્રી અને સાંસદ પદે ચૂંટાઇ આવવું અત્યંત અફસોસજનક છે. રાવના આ નિવેદન સામે હેગડેએ ફરી વળતો પ્રહાર કરી તેમની મુસ્લિમ પત્ની પર નિશાન તાક્યું હતું. તેમણે લખ્યું કે, આ વ્યક્તિના સવાલોનો જવાબ આપીશ પણ તે પહેલા તેઓ આ ખુલાસો કરે કે, તેઓ કોના વિકાસની સાથે છે. હું તો ફક્ત એટલું જ જાણું છું કે, આ વ્યક્તિ એક મુસ્લિમ મહિલાની પાછળ ભાગે છે. ટિ્‌વટ બાદ હેગડેની જોરદાર ટીકાઓ થઇ રહી છે. કેટલાક લોકોએ તેમની ટીપ્પણીને અત્યંત હલ્કી ગણાવી હતી. બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષે વળતોપ્રહાર કરતા કહ્યું કે, તેઓ તેમના અંગત જીવન પર ટિપ્પણી ના કરે. હેગડેની સાંસ્કૃતિક સમજ એકદમ હલ્કી કક્ષાની છે. ટિ્‌વટર પર પણ હેગડેની આકરી ટીકા થઇ રહી છે. કેટલાકો લોકોએ મહિલા કેન્દ્રીય મંત્રીઓના મુસ્લિમ ડિપ્લોમેટ સાથે હાથ મિલાવતા ફોટા શેર કર્યા હતા. કેટલાક લોકોએ કહ્યું કે, હેગડેને પાગલખાનામાં મોકલી દેવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, અનંતકુમાર હેગડે હંમેશા વિવાદિત નિવેદન આપવા માટે પંકાયેલા છે. ઘણીવાર તેમના કૃત્યોથી તેમણે ટીકાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ૨૦૧૭માં હેગડેએ કહ્યું હતું કે, ભાજપ બંધારણમાંથી સેક્યુલર શબ્દને હટાવી દેશે. તેમના આ નિવેદન બાદ ઘણો હોબાળો થયો હતો. તે પહેલા હેગડેએ પોતાની માતાની યોગ્ય સારવાર ન થતા ડોક્ટરને થપ્પડ મારી દીધી હતી.

મંત્રીની ‘મુસ્લિમ પત્ની’ ટિપ્પણી બાદ રાહુલ ગાંધીએ કહ્યું, અનંતકુમાર હેગડેને કાઢી મૂકો

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ બકબકીયા કેન્દ્રીય મંત્રી અનંતકુમાર દ્વારા હિંદુ યુવતીઓ બાદ કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવની મુસ્લિમ પત્ની અંગે ટિપ્પણી કર્યા બાદ કહ્યું હતું કે, હેગડેનું નિવેદન દરેક ભારતીય માટે શરમ છે. કર્ણાટકમાંથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેએ ગુંડુ રાવને તેમની મુુસ્લિમ પત્ની પાછળ દોડતા હોવાનું જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ હેગડેના નિવેદનને કોટ કરીને કહ્યું કે, આ વ્યક્તિ દરેક ભારતીય માટે શરમ છે, આ કેન્દ્રીય મંત્રી બનવાને લાયક નથી અને તેને તાત્કાલિક અસરથી હટાવી દેવો જોઇએ. બીજી તરફ ગુંડુ રાવની પત્ની તબુ રાવે પણ કહ્યું છે કે, જે ભાજપના નેતાઓ તેમના પતિનો સામનો નથી કરી શકતા તેઓ મને નિશાન બનાવવાના પ્રયાસ કરે છે. તબુ રાવે ટિ્‌વટર પર હેગડેને જવાબ આપતા કહ્યું કે, મેં કોઇપણ ભાજપના નેતાઓ વિરૂદ્ધ અંગત ટિપ્પણી કરી નથી. હું તેમનો આકરો વિરોધ કરૂ છું જેઓ હલ્કી રાજનીતિ માટે મારો પ્યાદા તરીકો ઉપયોગ કરે છે. આવી હલ્કી અને ઉશ્કેરણીજનક ભાષા કેન્દ્રીય મંત્રીના મોઢેથી શોભતી નથી.