જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ગુજરાતના અમરનાથ યાત્રીઓની બસ ઉપર કરાયેલા આતંકવાદી હુમલાની ઘટનાને સમગ્ર દેશ અને રાજયના મુસ્લિમ સમાજે એકીઅવાજે વખોડી કાઢી છે. મંગળવારે અમદાવાદની ઐતિહાસિક સીદી સૈયદની જાળીવાળી મસ્જિદ પાસે જમીયતે ઉલ્માએ હિન્દ અમદાવાદ દ્વારા આ ઘટનાના વિરોધમાં રેલી અને દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં જમીયતે ઉલ્માએ હિન્દ અમદાવાદના મુફતી અબ્દુલ કૈયુમ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત મ્યુનિસિપલ કાઉન્સિલરો, ધાર્મિક રાજકીય અને સામાજિક આગેવાનો જમીયતના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જમાલપુર દરવાજા ખાતે પણ દેખાવો કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે પાકિસ્તાન દ્વારા અવારનવાર નાપાક હરકતો કરવામાં આવે છે. પાકિસ્તાન-ભારત દેશની સાથે સીધી રીતે લડી શકે તેમ ન હોઈ પરોક્ષ રીતે કાયરતાપૂર્વક આતંકવાદીઓ મારફતે હુમલાઓ કરાવે છે. સરહદની પેલે પારથી ષડયંત્રો કરી ઈસ્લામ ધર્મને બદનામ કરવાનું હીન કૃત્ય આચરે છે. સાથે સાથે આ નાપાક કૃત્યોથી ભારતમાં વસતા દેશભકત ર૦ કરોડ મુસ્લિમ સમાજ ખોટી રીતે શંકાના ઘેરામાં આવી જાય છે અને બદનામી સહન કરવાનો વારો આવે છે. આવા સાચા ગુનેગાર આતંકવાદીઓની તત્કાળ ધરપકડ કરી ફાંસીના માંચડે ચડાવવા જોઈએ. તથા આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાનને સબક શીખવવાનો સમય આવી ગયો છે. અમરનાથ યાત્રિકોની બસ ઉપર આતંકવાદીઓ દ્વારા થયેલ હુમલો એ ખૂબ જ જઘન્ય કૃત્ય છે અને તેને કોઈપણ સંજોગોમાં સાંખી લેવાય નહીં. આતંકવાદીઓને કોઈ ધર્મ કે મઝહબ હોતો નથી. આ કૃત્ય એ માનવતાની વિરુધ્ધ છે. શેખે મૃત્યુ પામેલા લોકોના સંબંધીજનોને હૃદયપૂર્વક દિલસોજી પાઠવતા કહ્યું છે કે ભારત દેશ હંમેશા એકજુટ રહ્યો છે અને આતંકવાદીઓ દ્વારા કરાતા હુમલાઓથી ડરીને પાછીપાની નહી કરીને દેશમાંથી આતંકવાદને નેસ્તનાબૂદ કરવા હંમેશા બધા ધર્મના લોકોએ સાથે મળીને કાર્ય કરવું પડશે.