(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૧
અમરનાથ યાત્રાના હુમલામાં ઘયાવેલા લોકોને સુરત શહેર ખાતેના એરપોર્ટ ઉપર લાવવામાં આવતા જ્યાંથી ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે કિરણ હોસ્પિટલ ખાતે લઇ જવાની મોટા ઉપાડે જાહેરાત કરનાર કિરણ હોસ્પિટલના સંચાલકોને એરપોર્ટ ઉપર આવેલા રાજ્યના મુખ્યમંત્રીએ સ્પષ્ટ નન્નો ભણી દીધો હતો અને તમામ ઇજાગ્રસ્તોને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જઇ ત્યાંના તબીબો દ્વારા જ સારવાર આપવામાં આવશે એમ જણાવતા જ યશ ખાટવા નિકળેલા લોકોના મોઢા પડી ગયાં હતા. આ અંગે વિશ્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ગતરાત્રીએ અમરનાથયાત્રી ઉપર આતંકવાદીઓ દ્વારા ચલાવવામાં આવેલ આડેધડ ફાયરિંગમાં મુંબઇ, વલસાડ, દમણ અને સુરતના યાત્રાળુઓના ગંભીર ઇજાને કારણે સાત જણાના મૃત્યુ નિપજતા તથા અનેક ઇજાગ્રસ્ત થતાએ તમામ ભોગ બનેલા યાત્રીઓને સુરત એરપોર્ટ ઉપર પર ખાસ વિમાન મારફત આજે બપોરે લાવવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો એરપોર્ટ ઉપર હાજર થઇ ગયા હતા. જેમાં સુરત શહેરના કતારગામ સ્થિત અને હાલમાં નવી બંધાયેલ કિરણ હોસ્પિટલના સંચાલકો આવા દુઃખદ બનાવમાં પણ યશ લેવા નિકળ્યા હોય તેમ આજરોજ મીડિયા સમક્ષ જાહેરાત હતી કે, કિરણ હોસ્પિટલ ઇજાગ્રસ્તોની વિનામુલ્યે સારવાર કરશે. આ વાત વાયુવેગે મુખ્યમંત્રીને જાણ થતા મુખ્યમંત્રીએ આ વાતનો રદિયો આપી જણાવેલ કે સરકાર હસ્તક આવતી નવી સિવિલ હોસ્પિટલમાં અત્યાધુનિક સારવાર થતી હોય તો પછી અન્ય હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત યાત્રીઓને સારવાર કરાવવાનો શું અર્થ ? માટે તમામ ઇજાગ્રસ્તોને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. દરમિયાન આ અંગે નવિ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર રહેલ સુપ્રિન્ટેન્ડન્ટ વાડેલ અને તેમની ટીમના અન્ય તબીબ સ્ટાફગણ તથા નર્સિંગ એસો.ના પ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવેલ કે, નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિ.ને મળેલ સુચના અનુસાર એરપોર્ટ ઉપર સિવિલની ૧૭ એમ્બ્યુલન્સ, ત્રણ આઇ.સી.યુ. વેન તથા સ્ટાફ ઉભા પગે રહ્યા હતા. જેમાં ઇજાગ્રસ્ત સાત યાત્રીઓને વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લવાતા જ્યાં એક યાત્રીને સારવાર બાદ રજા આપવામાં આવી હતી, અને અન્ય છ યાત્રીઓ ઇજાગ્રસ્ત હોવાથી તેમની સારવાર હાલમાં ચાલી રહી હોવાનું જણાવ્યું હતું, પરંતુ એ તમામ છ ઇજાગ્રસ્ત યાત્રીઓ ભયમુક્ત હોવાનું વધુમાં જણાવ્યું હતું.