(એજન્સી)
વિલુપુરૂમ, તા.ર૦
તામિલનાડુની વિલુપુરૂમમાં એક છોકરીએ કેરળ પૂર રાહતમાં નવ હજાર રૂપિયા દાન કર્યા. એ રૂપિયા તેણીએ સાયકલ માટે બચાવ્યા હતા. અનુપ્રિયા નામની આ છોકરી ગત ચાર વર્ષથી સાયકલ માટે રૂપિયા ભેગા કરી રહી હતી. કેરળમાં પૂરને કારણે બગડેલા હાલાતને જોઈ તેણીએ રૂપિયા દાન કરવા યોગ્ય લાગ્યા. બાળકીએ પિગી બેંક તોડીને પૂર પીડિતો માટે દાન આપ્યું જેના માટે બાળકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. એક ટ્‌વીટર યુઝરે એક પોસ્ટ કરી આ વાતની જાણકારી આપી હતી. પોસ્ટ પર રિએકટ કરતાં હીરો સાયકલે તેણીને સાયકલ ગિફટ કરવાનો નિર્ણય લીધો છે. હીરો સાયકલે પોસ્ટ પર રિએકટ કરતાં લખ્યુું કે, પ્રિય અનુપ્રિયા, અમે જરૂરિયાતના સમયે માનવતાનું સમર્થન કરવા માટે તમારા વખાણ કરીએ છીએ. અમે તમને એક બ્રાન્ડ ન્યુ સાયકલ આપવા માંગીએ છીએ. તમે તમારું સરનામું અમને મોકલો અથવા તો customer@herocycles.com દ્વારા અમારાથી સંપર્ક કરો. અહીંયા તેઓએ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર પંકજ એમ મુંજલને પણ ટેગ કર્યા હતા. પંકજ એમ મુંજલે અનુપ્રિયા માટે લખ્યું કે અનુપ્રિયા તમને પ્રણામ, તમે એક મહાન આત્મા છો. ચારેય બાજુ તમે ભલાઈના કામ કરો. હીરો તમને જીવનભર દર વર્ષે એક સાયકલ આપવા માટે ખૂબ જ ખુશ છે. મારા એકાઉન્ટમાં તમારો નંબર શેયર કરો. પ્રેમ અને શુભકામનાઓ. કેરળ માટે પ્રાર્થનાઓ. નોંધનીય છે કે, કેરળ ભારે વરસાદ અને પૂરથી ઝઝૂમી રહ્યો છે. આ હોનારતને કારણે હાલ સુધીમાં ર૦ હજારમાં ર૦ હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે જ્યારે ૪૦૦થી વધુ લોકોના મોત થઈ ચૂકયા છે.