(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૭
જૂનાગઢ જિલ્લાના ચોકી સોરઠ ખાતે રાજય અનામત પોલીસ તાલીમ સેન્ટરમાં તાલીમ લઇ રહેલા ૧૭૯ હથિયારી અને બિન હથિયારી લોક રક્ષક પોલીસ જવાનોનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આઠ માસની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થતા તેમની પાસીંગ આઉટ પરેડ અને દિક્ષાંત સમારોહ તાલીમ સેન્ટરના પ્રિન્સીપાલ અને આઇ.જી.પી. એમ.એમ. અનારવાલાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે તાલીમાર્થીઓને એમ.એમ. અનારવાલાએ ફરજનિષ્ઠા અંગેના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રધ્વજ અને યુનિટ ધ્વજ સાથે પરેડ યોજવામાં આવી હતી. જેનું નિરીક્ષણ આઇ.જી.પી એમ.એમ. અનારવાલાએ કર્યું હતું. આ પ્રસંગે અનારવાલાએ પોલીસ જવાનોને સંબોધતા કહ્યું કે પક્ષપાત વગર કે નાત-જાતના ભેદભાવથી પર રહીને સમાન દષ્ટ્રીથી સૌને જોઇ ફરજને વફાદાર રહેવાનું છે. દેશ અને રાજયની સેવાને અગ્રતા આપી વર્દીને સમર્પિત થવા શીખ આપી હતી. ફરિયાદ કરવા આવેલ વ્યકિત બધા જ ઉપાયો કારગત ન થાય પછી પોલીસ મથકે આવતો હોય છે તેમ જણાવી ફરિયાદી પ્રત્યે સંવેદના દાખવવા અનુરોધ કર્યો હતો.
અનારવાલાએ કહ્યું કે, પોલીસ જવાન ગમે તેટલો જ્ઞાની, તાલીમબધ્ધ તેમજ નિપુણ હોય પણ તેનામાં મદદ કરવાની ભાવના ન હોય તો તેવી સેવાનો કોઇ અર્થ રહેતો નથી તેમ જણાવી બાળક, વૃદ્ધ, મહિલા કે ગરીબ જે કોઇ પોલીસની મદદ માંગે તો તેને મદદ કરવા અનુરોધ કર્યો હતો. આ પરેડના ગરિમાપુર્ણ કાર્યક્રમમાં પરેડ કમાન્ડર તરીકે લગધિરસિંહ ભોજુભા સરવૈયા, યુવરાજસિંહ ગોહિલ, નિશાન ટોલી કમાન્ડર તરીકે અંકિતભાઇ ચૌધરી અને રાષ્ટ્રધ્વજ વાહક તરીકે આલાભાઇ અને યુનિટ ધ્વજ વાહક તરીકે હિમેશકુમારે સેવા આપી હતી.
તાલીમ દરમ્યાન વિશિષ્ટ સિદ્ધિ અને માર્કસ મેળવનાર ઝાલા અરજણસિંહ દિલીપસિંહ, છયડા ભાવેશ દિનેશભાઇ, વશરામ પથા, રાવત અંકિત ચંદુલાલ, ઠાકોર ,ધર્મેશ રમેશભાઇ, ,ઠાકોર સુમેશ ચંદુલાલ, ભાવિક ભરતભાઇ, ગોહિલ યુવરાજ રણજીતભાઇ અને સરવૈયા લગધરસિંહને આઇ.જી.પી.ના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક એસ.એન. પટેલે આઠ માસની તાલીમમાં શીખવેલી ગાર્ડ ડ્યુટી સહિતની કામગીરી અંગેની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ભુપત રાજપુરોહિતે કર્યું હતું.
આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, નાયબ માહિતી નિયામક રાજુભાઇ જાની, ડૉ. અગ્રાવત, પોલીસ અધિકારી ટાંકે ઉપસ્થિત રહી પોલીસ જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.