(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ર૯
જૂનાગઢ સ્થિત પોલીસ તાલીમ વિદ્યાલયના આચાર્ય એમ.એમ. અનારવાલાને આઈ.જી.તરીકેનું પ્રમોશન મળતાં જૂનાગઢ પોલીસ તાલીમ વિદ્યાલય પરિવાર દ્વારા એમ.એમ. અનારવાલાને આવકારી સન્માનિત કરવા એક અભિવાદન સમારોહ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. રાજ્યના પોલીસ વિભાગમાં નોંધપાત્ર કામગીરી કરી રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થયેલા સિનિયર આઈ.પી.એસ. અધિકારી એમ.એમ. અનારવાલાને ડી.આઈ.જીમાંથી આઈ.જી. તરીકેનું પ્રમોશન મળતા અને તાલીમ વિદ્યાલય ખાતે જ નિયુક્તિ મળતા તેમને આવકારી સન્માનિત કરવા કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢની જુદી-જુદી સંસ્થાઓ, પોલીસ અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, અધિકારીઓ ઉપરાંત શુભેચ્છકો દ્વારા અનારવાલાને અભિવાદિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી અનારવાલાએ જણાવ્યું હતું કે પોલીસનું કામ કાયદાની અમલવારીની સાથે માનવતાનું પણ છે. કાવ્ય પંક્તિઓ, શાયરી અને ગઝલની રજૂઆત સાથે તેઓએ કહ્યું કે દરેક માણસે રોજ સવારે ઊઠીને તેનું ધ્યેન અને લક્ષ્ય નક્કી કરી તેને પરિપૂર્ણ કરવા માટે આયોજન કરવું જોઈએ. પોલીસનું કામ આમ તો ઈશ્વરિય કામ છે તેમ જણાવી પ્રજાને રક્ષણ કરવાથી માંડીને ગમે તે ઘડીએ મુશ્કેલીમાં તેની સાથે રહેવાનું કાર્ય છે. પોલીસને સમાજની નબળી બાજુ સાથે વધારે કામ કરવું પડે છે એવી સ્થિતિમાં હકારાત્મક અભિગમ રાખવા અને પોલીસે સારી વાણી શબ્દોનો ઉપયોગ કરવા પણ શીખ આપી હતી. એમ.એમ. અનારવાલાએ તાલીમ લઈ રહેલા પોલીસ જવાનો અને મહિલા પોલીસને માનવીય અભિગમ અને હકારાત્મક અભિગમ સાથે કઈ રીતે કામગીરી કરવી તે અંગે પણ આ તકે માર્ગદર્શન આપ્યું હતું. એમ.એમ. અનારવાલાના અભિવાદન સમારોહમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી, મેયર આધ્યશક્તિબેન મજમુદાર, ઈકબાલભાઈ મારફતિયા અને નિવૃત્ત પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અલ્તાફ કુરેશીએ એમ.એમ. અનારવાલા યુવાનોને સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિમાં પ્રોત્સાહિત કરે છે તે અંગે માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન રસીક બગથરિયાએ અને શાબ્દિક સ્વાગત ડીવાયએસપી ગોહિલે કર્યું હતું. કાર્યક્રમના અંતે સંગીત સંધ્યા અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.