(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
આંખે દેખી ન શકતા એમબીબીએસમાં એડમિશન મેળવનાર ૧૮ વર્ષના એક વિદ્યાર્થીનું મેડિકલ બોર્ડ એડમિશન રદ કરી દેતા તેણે આત્મહત્યાની ધમકી આપી છે.
ર૦૧૬માં સુરેશ નામના એક અંધ વિદ્યાર્થીને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો. તે ૮ સીએમ દૂર જોઈ શકતો નથી. તેથી મેડિકલ કાઉન્સિલના ધ્યાનમાં આવતા તેનું એડમિશન રદ કરવાનો નિર્ણય કરાયો હતો. સુરેશની સમસ્યાને દેશની સરકારી કચેરીઓએ અવગણી હતી. સુરેશે ઓગસ્ટ ર૮ના રોજ પાંચ પાનાનો એક પત્ર લખ્યો. જેમાં બે પાનામાં આત્મહત્યાની નોટિસ હતી. પત્રમાં તેને પડતી મુશ્કેલીઓનું વર્ણન કર્યું હતું. તેણે કહ્યું કે અંધ હોવા છતાં ૮૬ ટકા સાથે ધો.૧રની પરીક્ષા પાસ કરી હતી. તે ૭૦ ટકા જોઈ શકતા નથી. તેણે મેડિકલમાં પ્રવેશ પછી ફી ભરવા પોતાની વારસાગત મિલકત વેચી દીધી હતી. તેણે મેડિકલ બોર્ડને આ સમસ્યા ઉકેલવા પત્ર લખ્યો છે. આ સમસ્યા ન ઉકેલાય તો મારી પાસે મૃત્યુ સિવાય કોઈ વિકલ્પ નથી. તેમ તેણે એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું. વિકલાંગ કોટામાં તેને રાઈચુર મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો. તેણે કોમન ટેસ્ટ પાસ કર્યો હતો. જુલાઈ-૧૬માં તેણે આરઆઈએમએસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. નિયમ મુજબ ૭૦ ટકાથી વધુ વિકલાંગને પ્રવેશ ન અપાય છતાં પ્રવેશ આપી નિયમનું ઉલ્લંઘન કરતા તેનું એડમિશન રદ કરાયું હતું.
ર૦૧૬ના ડિસેમ્બરમાં સંસદે વિકલાંગો માટે વિશેષ કાનૂન બનાવી પ ટકા અનામત બેઠકો ઊભી કરી હતી. જે આ કાનૂન ર૦૧૭ એપ્રિલના રોજ અમલમાં આવ્યો. તે સુરેશના કેસને અસર કરતા નથી. કારણ કે સુરેશે ગત વર્ષે એડમિશન મેળવ્યું હતું. સુરેશે હાઈકોર્ટમાં દાદ માંગતા તેને પ્રથમ વર્ષની પરીક્ષા આપવા દેવાની મંજૂરી અપાઈ હતી. તેનું પરિણામ રોકી રખાયું. ડોક્ટરનું સ્વપ્ન જોતા સુરેશે કહ્યું કે શા માટે તેને મેડિકલમાં પ્રવેશ અપાયો ? ૩ બીજા વિદ્યાર્થીઓ સાથે હરિફાઈ અને પ્રદર્શન સારૂં કરી શકું છું. રાઈચુર મેડિકલ કોલેજના ચેરમેન કવિતા પાટિલે કહ્યું કે તેઓ સુરેશની એમસીઆઈને આત્મહત્યાની નોટિસથી અજાણ છે. પરંતુ તેની સમસ્યા ઉકેલવા તેઓ સરકાર સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટમાં અંધજનો અંગે મેડિકલ કોલેજમાં પ્રવેશનો એક કેસ પડતર છે.