(એજન્સી) વિજયવાડા, તા. ૧૩
આંધ્રપ્રદેશના વિજયવાડામાં સર્જાયેલી હોડી દુર્ઘટનામાં ર૧ લોકોનાં મોત થયા છે જ્યારે આંધ્રપ્રદેશના એક અધિકારી બૂમો પાડતા રહ્યા કે, તમે આવી હિંમત ના કરો તેમ છતાં હોડીમાં ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડી દેવામાં આવ્યા હતા અને બાદમાં દુર્ઘટના સર્જાઈ હતી. આ અગાઉ આંધ્રપ્રદેશમાં કૃષ્ણ નદી દુર્ઘટનામાં મોતનો આંકડો વધીને ર૧ ઉપર પહોંચી ગયો છે. હજુ પણ અનેક લોકો લાપત્તા છે. ર૧ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. રાજ્ય સરકારે પીડિત પરિવારોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. આશિયાન શિખર બેઠકમાં ભાગ લેવા માટે પહોંચેલા મોદીએ ટિ્‌વટ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાન તરફથી કરવામાં આવેલા ટિ્‌વટ મુજબ કૃષ્ણા નદીમાં નૌકા ઉંધી વળી જતાં આ દુર્ઘટના ઘટી છે. તેમણે કહ્યું છે કે, લોકોના પરિવાર પ્રત્યે તેમની સહાનુભૂતિ રહેલી છે. આંધ્રપ્રદેશ સરકાર અને એનડીઆરએફની ટુકડી પણ બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલી છે. ક્ષમતાથી વધારે લોકો નૌકાના હોવાના કારણે આ દુર્ઘટના બની હતી. ૩૮ લોકોને લઇને જઇ રહેલી નૌકા વિજયવાડા નજીક કૃષ્ણા નદીમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ હતી જેમાં ર૧ પ્રવાસીઓના મોત થયા હતા. અનેક લોકો હજુ પણ લાપત્તા છે. મૃત્યુ પામેલા લોકોમાં છ મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુ, નાયબ મુખ્યમંત્રી, વિપક્ષના નેતા જગનમોહન રેડ્ડી તથા અન્યોએ બનાવ અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બનાવને લઇને સમગ્ર રાજ્યમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. લોકોએ આ ઘટના સાથે સંબંધિત વિડિયો અને ફોટાઓ પણ જારી કર્યા છે અને દુખ વ્યક્ત કર્યું છે. આંધ્રપ્રદેશ અને તમિળનાડુમાં આ પ્રકારની દુર્ઘટનાઓ વારંવાર બનતી રહે છે. કૃષ્ણા નદી દુર્ઘટનામાં લાપત્તા થયેલા લોકોની ઉંડી શોધખોળ હજુ ચાલી રહી છે. આ સંખ્યા વધે તેવી શક્યતા છે. મૃતકોની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી.