(એજન્સી)
હરિયાણા, તા.ર૬
અનામતની માંગ અંગે જાટોએ ફરી એકવાર સરકારને આંદોલન કરવાની ચેતવણી આપી છે. મહારાજા સુરજમલના ત્યાગ દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં ફરી એકવાર જાટ અનામતની માંગ અંગે વિવિધ સંગઠનો સાથે જોડાયેલા લોકો ભેગા થયા હતા. બહાદુરગઢની દીનબંધુ છોટુરામ ધર્મશાળામાં દલાલ ખાપની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠકમાં રોહતક, ઈજ્જર, સોનીપત, ફરીદાબાદ સહિત છ જિલ્લાના ખાપ પ્રતિનિધિ અને જાટ સંગઠનો સાથે જોડાયેલા બુદ્ધિજીવી સામેલ થયા હતા. અહીં તેમણે મહારાજા સુરજમલના ત્યાગ દિવસ પર તેમને શ્રદ્ધાંજલિ આપી અને જાટ અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા લોકોને પણ યાદ કર્યા. બેઠક બાદ જાટ નેતાઓએ સરકારને જલદી અનામત આપવાની માંગ કરી છે.
તેની સાથે જ સરકારને માંગ કરવામાં આવી છે કે, હિંસા દરમિયાન દાખલ કરવામાં આવેલા કેસને રદ કરી દેવામાં આવે. જાટ નેતાઓએ સરકારને પોતાના વચન પૂરા કરવા માટે એક મંત્રણા ટેબલ પર તમામ માંગો પર ચર્ચા કરવાની માંગ કરી છે અને માંગો ના સ્વીકારાતા સરકારને આંદોલન કરવાની ચેતવણી આપી છે.
જો કે જાટ સમુદાય હરિયાણામાં પાછલા ઘણા લાંબા સમયથી નોકરીઓમાં અનામત આપવાની માંગ અંગે આંદોલન કરતું રહ્યું છે. પરંતુ સરકાર વારંવાર આશ્વાસન આપ્યા પછી પણ તેમની માંગો પર કોઈ વિચાર કરી રહી નથી. તે માટે ફરી એકવાર જાટોએ સરકારની વિરૂદ્ધ મોરચો ખોલવાની ચેતવણી આપી છે.