(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૬
પાટીદાર અનામત આંદોલન ફરી એકવાર જોર પકડી રહ્યું છે. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ૧ર-૧૩ દિવસ વિતવા આવ્યા છતાં રાજય સરકાર દ્વારા આંદોલન મુદ્દે કોઈ જ ચર્ચા કરી નથી. ત્યારે હવે એક તરફ રાજય સરકારના મંત્રી હાર્દિકના સ્વાસ્થ્ય મુદ્દે સરકાર ચિંતિત છે અને તેના માટે સરકાર બધી વ્યવસ્થા કરી રહી હોવાનું જણાવી પાટીદાર સમાજના આગેવાનો સાથે સરકાર બેઠક કરી રહી હોવાનું જણાવે છે તો બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેનાથી વિરોધી નિવેદન આપતા જણાવે છે કે, આંદોલનકારીઓ સ્વાર્થ માટે ઉપવાસ ઉપર બેઠા છે. આમ રાજયમાં શાસક પક્ષ અને તેની જ સરકારના નિવેદનો- વલણમાં વિરોધભાસ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને તેને લઈને જ હાર્દિક પટેલ સાથે ૧૩-૧૩ દિવસ સુધી કોઈ સમાધાન ચર્ચા કરવામાં આવી ન હોવાનું જણાઈ આવે છે.
રાજય સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલ આજે ઉપવાસના ૧૩મા દિવસે સાંજે સરકાર તરફથી એક તરફ હાર્દિક સહિતના પાટીદાર ઉપવાસીઓ માટે સહાનુભૂતિ દાખવતું નિવેદન જારી કુણુ વલણ જાહેર કરી રહ્યા છે. તો બીજી તરફ પાર્ટીના અધ્યક્ષ ઉપવાસ આંદોલન સંદર્ભે કોંગ્રેસ ઉપર આક્રમક પ્રહારો કરવા સાથે આંદોલનકારીઓ માટે લાગણી વિહીન નિવેદનો કરી વિરોધાભાસ વ્યકત કરી રહ્યા છે. જે દર્શાવે છે કે સરકાર અને સંગઠનમાં હાર્દિક પટેલના આંદોલન સંદર્ભે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે અને તેને કારણે જ ૧૩-૧૩ દિવસ પછી પણ આંદોલન અટકાવવાને સમેટી લેવાય તે માટે હજુ સુધી સત્તાધીશો તરફથી કોઈ જ પ્રયાસો કરાયા નથી.
દરમ્યાન આજે મંત્રી કૌશિક પટેલે પોતાના નિવેદનમાં હાર્દિકના સ્વાસ્થ્યની ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, હાર્દિકને ડોકટરોની સલાહ માનવાનું કહેવામાં આવ્યું છે હાર્દિકના સ્વાસ્થ્ય માટે સરકાર તમામ વ્યવસ્થા કરી રહી છે. વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી હાર્દિકને ઉપવાસ છોડવા માટે હાર્દિક પટેલને સમજાવે તેવી અપીલ પણ મંત્રીએ કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે સરકારે બેઠક કરી છે અને તેઓ અનામત મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોના પ્રશ્નો માટે સરકાર હમેશા ચિંતા કરતી રહી છે અને તેના માટે શ્રેષ્ઠ આયોજનો પણ કરાયા છે મુખ્યમંત્રી સાથે કોંગ્રેસના ધારાસભ્યોની આજે બેઠક મોડે સુધી ચાલી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે કોંગ્રેસે અનામત સિવાયના મુદ્દાઓની વાત કરી હતી. જયારે બીજી તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ હાર્દિક પટેલને ડોકટરોની સલાહ માનવાનું જણાવતા ઉમેર્યું હતું કે આંદોલનકારીઓ સ્વાર્થ માટે બેઠા છે. કોંગ્રેસ સાથે રહીને સમાજને ગેરમાર્ગે દોરી રહી હોવાનું જણાવી આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે વોટ બેન્કની રાજનીતિ કોંગ્રેસના એજન્ટ કરે છે તે રાજકીય રોટલા શેકવા નીકળી છે અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસને ચૂંટણી વખતે જ મુદ્દાઓ યાદ આવે છે.