પાલનપુર,તા.૩
પાલનપુરની ન્યૂ રામ ઝૂંપડી હોટલ આગળ તાજેતરમાં ફાયરિંગની ઘટનામાં માલણ ગામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ગૂનાના આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દુર છે. તેમજ ધાક- ધમકીઓ આપી રહ્યા હોવા અંગે માલણ ગામના ગ્રામજનોએ જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી જો આરોપીઓ ત્રણ દિવસમાં નહી ઝડપાય તો ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
પાલનપુર તાલુકાના માલણ ગામના લોકોએ જિલ્લા પોલીસવડા નિરજ બડગુજરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવાયું હતુ કે, પાલનપુર ડીસા હાઇવે નજીક આવેલી હોટલ ન્યૂ રામઝુંપડી આગળ માલણ ગામના લશકરભાઇ અનવરભાઇ મીરની ગોળીબાર કરી હત્યા કરવામાં આવી હતી. જેમાં દિપેશભાઇ ઘનશયામભાઇ વૈષ્ણવે પશ્ચિમ પોલીસ મથકે વિજયભાઇ હરગોવનભાઇ શિરવાડીયા, વિશાલ તેમજ સંગીતાબેન જોષી સામે ફરિયાદ નોંધાવી છે. પરંતુ આ આરોપીઓ આજદિન સુધી નાસતા ફરે છે. અને મળતીયા માણસો દ્વારા મૃતકના પરિવારજનોને સમાધાન કરવા માટે દબાણ કરી ધાક-ધમકીઓ આપી રહ્યા છે. જેમની અટકાયત નહી થાય તો બીજો ભયાનક ગૂનો કરે તેમ છે. જો ત્રણ દિવસમાં આ આરોપીઓની અટકાયત કરવામાં નહી આવે તો જિલ્લા પોલીસવડાની કચેરી આગળ ગાંધીચિંધ્યામાર્ગે ધરણા કરવાની ફરજ પડશે. ઉલ્લેખનીય છે કે, માલણના ગ્રામજનોની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી, જિલ્લા પંચાયત સદસ્ય રવિરાજ ગઢવી તાલુકા પંચાયત સદસ્ય સંજય ચૌધરી પણ રજૂઆતમાં સાથે જોડાયા હતા.