(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા. ૯
સરકારની નીતિ અને નિયમો તેમજ પડતર પ્રશ્નો અંગે ક્વોરી એસોસિએશન દ્વારા આંદોલન ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ૧૩ દિવસથી ચાલી રહેલ હડતાલ ને રાજ્યભરના ક્વોરી એસોસિયેશનને ટેકો જાહેર કરતા લાખો લોકોને રોજગારી પૂરું પાડતો આ ઉદ્યોગ ઠપ્પ થવાથી મોટાપાયે નુકશાન થઇ રહેલ છે. આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આગામી દિવસોમાં ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સહિત સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં ક્વોરી ઉદ્યોગ આવેલો છે. વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને સૌરાષ્ટ્ર ક્વોરી એસોશિએશનની છેલ્લા ૧૩ દિવસથી હડતાલ ચાલી રહી છે. ત્યારે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ક્વોરી એસોસિએશનના દ્વારા જિલ્લા કલેકટરને ૧૫ પ્રશ્નોનું આવેદનપત્ર પાઠવવામાં આવેલ લાખો લોકોને રોજગારી પૂરી પાડતો આ ઉદ્યોગ છેલ્લા ૧૩ દિવસથી બંધ હોવાથી મજૂરો, ટ્રાન્સપોર્ટરો અને ક્વોરી ઉદ્યોગકારોની હાલત ખરાબ થઈ ગઈ છે . ૪૦૦૦ જેટલા ડમ્પરો આ ઉદ્યોગમાં ચાલે છે. વારંવાર રજૂઆત છતાં સંવેદનહીન સરકાર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી અને જો આગામી દિવસોમાં સરકાર દ્વારા કોઇ જ પ્રકારના સકારાત્મક પગલા લેવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન સહિત ઉગ્ર આંદોલનની અને નાછૂટકે આત્મવિલોપન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે.