(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.ર૧
વર્ષ ર૦૧૪-૧પ અને ર૦૧પ-૧૬માં સુરત અને તાપી જિલ્લાની કેટલીક મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને તાત્કાલિન સુમુલના પ્રમુખ અને જવાબદાર અધિકારીઓએ આ દૂધ મંડળીના સભાસદોને નાબાર્ડ યોજનામાંથી સબસીડી મળશે એમ જણાવી ફોર્મ ભરાવી દૂધાળા પશુઓ ખરીદ્યા હતા. પરંતુ આ વર્ષમાં નાબાર્ડ દ્વારા આવી કોઈ યોજના જાહેર કરવામાં આવી નહતી. જેને પગલે લોન લેનારા સભાસદોને આજદિન સુધી સબસીડીની રકમ ન મળતાં મોટાભાગની મહિલા દૂધ મંડળીઓને તાળા લાગી ગયા છે. સાથે જ લોન લેનારા પશુપાલકોના માથે દેવું થઈ ગયું છે. ત્યારે આ લાભાર્થીઓને સબસીડીની રકમ મળે અને બંધ થયેલી દૂધ મંડળીઓ પુનઃ કાર્યરત થાય એ માટે માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરીનાં નેતૃત્વમાં આંદોલન શરૂ કરાયું છે. આ માટે એક બેઠક તાજેતરમાં માંગરોળના ઝંખવાવ ગામે ચર્ચા માટે મળી હતી. જેમાં સુમુલનાં સોનગઢ તાલુકાના ડિરેક્ટર અરવિંદભાઈ ગામીત, માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, હરીશભાઈ વસાવા, કિશોરભાઈ ચૌધરી, માકાભાઈ ચૌધરી વગેરેઓ હાજર રહ્યા હતા. ચર્ચાને અંતે આ પ્રશ્ને આગામી તા.૧૧ ફેબ્રુઆરીના બપોરે ૧ર કલાકે માંડવી ટ્રાયબલ સબ પ્લાનની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે.