(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
મધ્યપ્રદેશના મંદસૌરમાં પોલીસ ગોળીબારમાં છ લોકો માર્યા ગયાની ઘટનાના લગભગ એક વર્ષ બાદ ખેડૂતોએ શુક્રવારે સાત રાજ્યોમાં નવેસરથી આંદોલન શરૂ કર્યું છે. રાષ્ટ્રીય કિસાન મહાસંઘ (આરકેએમ) સાથે જોડાયેલા ૧૨૫થી વધુ ખેડૂતો સંગઠનોએ શુક્રવારથી ૧૦ દિવસ આંદોલનની શરૂઆત કરી દીધી છે. ખેડૂતોએ હરિયાણા, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રેદશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં શહેરના બજારોમાં શાકભાજી, દૂધ અને અન્ય ડેરીપેદાશોનો પુરવઠો બંધ કરી દીધો હોવાથી શાકભાજી અને દૂધના ભાવો તો વધશે. આ રાજ્યોમાંથી કેટલાક રાજ્યો દિલ્હી, મુંબઇ, બેંગલુરૂ અને જયપુર જેવા મોટા શહેરોમાં શાકભાજી અને દૂધના ટોચના સપ્લાયર્સ છે. ખેડૂતોની હડતાળને કારણે આગામી દસ દિવસમાં આ સાત રાજ્યોના શહેરોમાં દૂધ અને દૂધની પેદાશો તેમજ શાકભાજીની તીવ્ર અછત સર્જાશે. આરકેએમના કન્વીનર શિવકુમાર શર્માએ જણાવ્યું કે આંદોલનકારીઓ માત્ર રસ્તાઓ બંધ કરશે અને રેલીઓ કાઢશે. ખેડૂતો માત્ર તેમના ઉત્પાદનો શહેરના કેન્દ્ર તરફ લઇ જતા અટકાવશે. શહેરના બજારોમાં ખેડૂતો શાકભાજી કે દૂધની પેદાશોનું વેચાણ કરશે નહીં. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના શહેરોમાં પાડોશી હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી શાકભાજી, દૂધ અને દૂધની પેદાશો આવતી હોવાથી દિલ્હી અને અન્ય શહેરોમાં ખેડૂતોના આંદોલનની ભારે અસર થશે. દિલ્હીમાં મોટાભાગે ટામેટા અને ડુંગરી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવે છે. જો કે, શહેરોના વેપારીઓ હડતાળ કરી રહેલા ખેડૂતો પાસે જઇને શાકભાજી, દૂધ અને દૂધની પેદાશોની ખરીદી કરી શકે છે અને આ વસ્તુઓ શહેરી વિસ્તારોમાં લાવી શકે છે. જો વેપારીઓ ગામડાઓમાં જઇને ખેડૂતો પાસેથી આ વસ્તુઓ ખરીદી કરે તો, આ વસ્તુઓના વેચાણ સામે આરકેએમે કોઇ પ્રતિબંધ લાદ્યો નથી.