અંકલેશ્વર,તા.ર૬
અંકલેશ્વર જીઆઇડીસી-શહેરની પ્રજાને છેલ્લા ૧૦ દિવસથી રાત્રિ વાયુ પ્રદુષણે હેરાન પરેશાન કરી નાખી છે. આ મુદ્દે અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા શુક્રવારે જીપીસીબી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું.
અંકલેશ્વરના કેટલાક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા છેલ્લા ૧૦ દિવસથી રાત્રે ભયંકર દુર્ગંધયુકત પ્રદુષિત વાયુ છોડવામાં આવી રહ્યો છે. જેના લીધે સેકડો લોકોને ગુંગળામણ, માથાનો દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના આરોગ્ય સામે ઊભા થયેલા આ ગંભીર ખતરા અંગે જીપીસીબીના સ્થાનિક અધિકારીઓને વારંવાર રજૂઆતો બાદપણ જીપીસીબી આવા પ્રદુષણકર્તા ઉદ્યોગો સામે પગલા લેતી નથી આથી ત્રસ્ત લોકોની લાગણીને વાચા આપવા માટે શુક્રવારે અંકલેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા જીપીસીબી કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુભાઇ ફડવાલા, તાલુકા કોંગ્રેસ અગ્રણી મગન માસ્તર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાલુભાઇ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાંંસદિયા, જિલ્લા યુથ કોંગ્રસ પ્રમુખ શેરખાન પઠાણ તથા હોદ્દેદારો, કાર્યકર્તાઓ પાલિકાના સભ્યો જોડાયા હતા. અને જીઆઇડીસી ખાતે આવેલ જીપીસીબી કચેરી ખાતે સૂત્રોચાર સહિત વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ અંગે જિલ્લા પ્રવકતા નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે, અંકલેશ્વરની પ્રજાના આરોગ્ય સાથે છેડછાડ ઉદ્યોગો દ્વારા કરાશે એ સાંખી નહી લેવાય હજુ પણ જીપીસીબી જો આ બાબતે કડક હાથે કામ નહિ લે તો વધુ ઉગ્ર અને આશ્ચર્ય જનક કાર્યક્રમો આપવામાં આવશે કોંગ્રેસ વિકાસની નીતિમાં માને છે પરંતુ પ્રજાના આરોગ્યની વાત આવે ત્યા હમેશા કોંગ્રેસ પ્રજાની સાથે જ રહેશે જીપીસીબીના અધિકારીઓ હવે ઊંઘમાથી જાગીને કડક પગલા લે એ સમય આવી ગયો છે.