(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૧૮
વલસાડ જિલ્લા એન.સી.પી. પાર્ટી દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની સામે ઉપવાસ આંદોલન શરૂ કરવાની ધમકી આપવામાં આવી છે. વલસાડ જિલ્લા એન .સી.પી. પાર્ટીનાં અગ્રણીઓ અને વલસાડ જિલ્લા માઈનોરીટી ચેરમેન અબ્દુલ મલિક તથા વાપી શહેરમાં વોર્ડ નં ૮ના પ્રમુખ જાવેદખાને રજૂઆત કરી. જેમાં વોર્ડ નં ૮ ઈમરાન નગર પાછળ આવેલા ગીતાનગરમાં રહેતા નાગરિકોના વીજ કનેકશન ધરાવતા મકાનો પાસેથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની લાઈન જમીનથી આશરે છ ફૂટની ઊંચાઈએ છે. જેથી કોઇપણ માણસનો ઉપર હાથ લાગી જાય તો એ પોતાના પ્રાણથી હાથ ધોઈ શકે છે. આ લાઇન ઉપર કરી જનતા ભયમુક્ત રહે તથા ભવિષ્યમાં મોટી જાનહાનિ ન થાય તે માટે અબ્દુલ મલિક તથા જાવેદખાન તરફથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આ વીજ લાઈન ઉપર લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અને જો આ પ્રશ્ને બેદરકારી રાખવામાં આવશે તો વલસાડ જિલ્લા રાષ્ટ્રવાદી કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા વીજકંપની સામે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું તેમજ આ પ્રશ્ને તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.