જામનગર, તા.૨૯
લાલપુર તાલુકાના ભણગોર ગામને પાક વિમા પ્રશ્ને હળાહળ અન્યાય કરવામાં આવ્યો છે. તેવા આક્ષેપો સામે સમગ્ર ગામના ખેડૂતોએ આજે રેલી કાઢી પ્રાંત અધિકારી (લાલપુર)ને આવેદન પત્ર પાઠવ્યું હતું તેવી ચીમકી આપી છે.
ભણગોર ગામના ખેડૂતોએ પાઠવેલ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. આથી મળવા પાત્ર સહાય ચૂકવવામાં આવી નથી.
ચાલુ વર્ષમાં ભણગોર ગામમાં જે ક્રોપ કટીંગમાં સર્વે બ્લોક નંબર લેવામાં આવ્યા છે તે અગાઉના વર્ષના ક્રોપ કટીંગમાં લેવાયા હતા. તે પિયતવાળા છે. જેથી પાકવીમો આપવો ન પડે. ખેડૂતોને બટકુ નાંખીને મજાક કરવામાં આવી છે.
આથી લાલપુર તથા ભણગોર ગામને પૂરતા પ્રમાણમાં વીમો આપવામાં આવે નહીં તો આગામી લોકસભા ચૂંટણીનો ગ્રામજનો બહિષ્કાર કરશે અને કોઈ રાજકીય પક્ષને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં.
જો ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ગ્રામજનો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે.