અમદાવાદ, તા.ર૭
રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘસવારી આવી ચઢી છે ત્યારે ગત ર૪ કલાકમાં છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં દેકારો બોલાવતાં ૭ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના ૧૩૦ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે ત્યારે છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે સુખી ડેમ ઓવરફલો થયો છે. બીજી તરફ ભારે વરસાદની આગાહી અકબંધ રાખવામાં આવી છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે મોડીરાતથી અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારે ૬થી બપોરે ૨ વાગ્યા સુધીમાં છોટાઉદેપુરમાં સૌથી વધુ ૭ ઇંચ અવે પંચમહાલના હાલોમાં ૭ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પંચમહાલના હાલોલમાં આજે મેઘરાજા જોરદાર રીતે મહેરબાન થતાં માત્ર સાત કલાકમાં સાત ઈંચ કરતા વધારે વરસાદ ખાબકતા સમગ્ર પંથક અને તેની આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અતિ ભારે વરસાદના કારણે સ્થાનિક જનજીવનને ભારે અસર થઈ હતી. સાત ઈંચ વરસાદ સાથે સીઝનનો કુલ પ૪ ઈંચ વરસાદ થવા પામ્યો છે. તો, યાત્રાધામ પાવાગઢમાં પણ ભારે વરસાદને લઈ ડુંગર ઉપરવાસનું પાણી યમુના કેનાલ દ્વારા હાલોલના તળાવમાં આવતા પાણીનો વધારો થયો છે. ધોધમાર વરસાદના કારણે નદી નાળા છલકાયા છે. નદી કાંઠાના વિસ્તારોમાં અને ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતમાં ૫ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. જોકે ૫ દિવસ બાદ ફરીથી વરસાદ સિસ્ટમ સક્રિય બને તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ૨૯ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અને ત્યાર બાદ બે દિવસ મધ્યમથી સામાન્ય વરસાદ પડી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધી ૫૧ તાલુકાઓમાં સિઝનનો ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના કેટલા જિલ્લાઓમાં મોડીરાતથી વરસાદ શરૂ થયો છે. ગુજરાતના ૫૧ તાલુકાઓમાં સિઝનનો ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ૧૧૩ તાલુકાઓમાં ૨૦ ઇંચથી ૪૦ ઇંચ, ૮૧ તાલુકાઓમાં ૧૦થી ૨૦ ઇંચ અને ૬ તાલુકાઓમાં ૫થી ૧૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ ૯૦.૯૨ ટકા સારો વરસાદ નોંધાયો છે. જૂન મહીનામાં ૪ ઇંચ, જુલાઈ મહીનામાં ૯ ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહીનામાં ૧૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આવી રીતે સિઝનનો કુલ ૩૦ ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખૂબ ફાયદાકારક બની રહેશે. હવે ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતને ૫ દિવસ સારો વરસાદ મળશે અને ૫ દિવસ બાદ પણ વધુ એક સિસ્ટમ બને તેવી શક્યતા છે.

ઓરસંગ, કરા, અશ્વિન અને હેરણ નદીમાં ઘોડાપૂર : સુખી ડેમ ઓવરફ્લો

છોટાઉદેપુર પથંકમાં ભારે ભારે વરસાદને પગલે ઓરસંગ, કરા, અશ્વિન, અને હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. સુખી ડેમના ૬ દરવાજા ખોલાયા છે. જેને કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. છોટાઉદેપુર જિલ્લા કલેકટરે ટિ્‌વટ કરીને લોકોને સાવચેત કર્યાં હતા. છોટાઉદેપુર, પાવીજેતપુર અને કવાંટ પથંકમાં ૭-૭ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સંખેડામાં ૨, નસવાડી અને બોડેલીમાં ૧.૫ વરસાદ વરસ્યો છે. જેને પગલે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી તમામ નદીઓ ગાંડીતુર બની છે. અને તમામ નાળાઓ પણ છલકાઇ ગયા છે. છોટાઉદેપુર નગરના શોપિંગ સેન્ટરમાં પાણી ભરાઇ ગયા છે. ઘૂંટણસમાં પાણીથી લોકો પરેશાન થઈ ગયા હતા. આ ઉપરાંત આરટીઓ કચેરી સંકુલમાં પણ પાણી ભરાયા છે અને સરકારી ક્વાટર્સ કોલોનીમાં પણ પાણી ભરાયા છે.