અમદાવાદ,તા.૩
અમદાવાદમાં ટ્રાફિક ઝુંબેશ અને દબાણ હટાવ ઝુંબેશને લઈ શુક્રવારના રોજ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ખાસ કરીને શહેરના હેવી ટ્રાફિક ધરાવતા સારંગપુરથી રખિયાલ સહિતના ૧૦ જેટલા ભરચક વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત ૧પ૦થી વધુ વાહન ચાલકોને દંડ ફટકારાયો હતો, જયારે અનેક દુકાનો અને બિલ્ડીંગોને નોટિસ ફટકારાઈ હતી. જયારે દબાણ હટાવા કામગીરીના ભાગ-રૂપે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં દબાણો દૂર કરાતા મૂર્તિ બનાવનાર કલાકારોમાં રોષ જોવા મળ્યો હતો. જયારે દાણીલીમડા, બહેરામપુરા, શાહઆલમ, સત્તાધાર જેવા વિસ્તારોમાં દબાણ હટાવાની કામગીરી હાથ ધરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જયારે બીજી તરફ કેટલાક લોકોએ એએમસી અને પોલીસની કામગીરીની પ્રશંસા પણ કરી હતી. શહેરના હેવી ટ્રાફિક ધરાવતા સારંગપુરથી રખિયાલ સહિતના ૧૦ ભરચક વિસ્તારોના ૧૧ કિલો મીટર સુધી AMC અને અમદાવાદ પોલીસના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક મહાઝુંબેશ ચાલાવી રહી છે. જેમાં સેકટર-૨ વિસ્તારમાં માત્ર અઢી કલાકમાં ૧૫૦ લોકોને નોટિસ આપવામાં આવી છે. આ સાથે BRTS રૂટમાં જતા ૧૫૦ વાહનચાલકોને દંડ ફટકારાયો. અનેક બિલ્ડીંગોને પણ નોટિસ અપાઈ.આ મહાઝુંબેશમાં ૩ ડિસીપી, ૬ એ.સી.પી. અને ૧૦ પી.આઇ સહિતની ૨૦૦ પોલીસ કર્મીઓ હાજર છે. આ ટીમે ભરચક વિસ્તારોમાં જઇ દબાણો હટાવે છે અને ટ્રાફિક નિયમન કરે છે. હાલમાં રખિયાલ ચાર રસ્તા પર પોલીસની ટીમ કામ કરી રહી છે. રસ્તાઓ પર રહેલા દબાણો હટાવવાની શરૂઆત કરી છે એ સાથે ટ્રાફિક નિયમ ભંગ કરનારને સ્થળ પર જ મેમો આપી દંડ ભરાવાયો છે. જ્યારેઆડેધડ દબાણોને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ આજે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખી હતી. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં દબાણ દૂર કરાતા મૂર્તિ કલાકારોમાં રોષ ફેલાયો છે. મહત્વનું છે કે ગણેશોત્સવ માટે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં હજારોની સંખ્યામાં ગણેશજીની મૂર્તિઓ બને છે અને રોડ સાંકડા થઈ જતાં હોય છે. અમદાવાદમાં મોટા વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ જ છે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા કોર્પોરેશન મોડે મોડે પણ શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી થઈ ગયેલા દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી કરી રહી છે. નવા પશ્ચિમ ઝોનમાં સતાધાર ચાર રસ્તાથી પ્રભાતચોક રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યા. તો ગણેશ મૂર્તિઓ બનાવવા માટે ઓળખાતા ગુલબાઈ ટેકરા વિસ્તારોમાં પણ દબાણો દૂર કરવામાં આવ્યા. મહત્વનું છે કે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ગણેશોત્સવને લઈને હજારોની સંખ્યામાં ગણેશજીની વિવિધ પ્રતિમાઓ બનાવવાનું કામકાજ ચાલતું હોય છે. જોકે અહીં મોટાભાગનો રોડ બ્લોક થઈ જતો હોય છે. અને ટ્રાફિક ઉપરાંત પાર્કિંગની સમસ્યા પણ સર્જાતી રહે છે. ત્યારે કોર્પોરેશને ગેરકાયદે દબાણો હટાવવા કાર્યવાહી કરી છે.
ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ગણેશ પ્રતિમા બનાવતા કારીગરો મોટા પાયે વસવાટ કરે છે. ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે ત્યારે પ્રતિમાઓ બનાવની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જોકે હવે આ કલાકારો માટે મૂર્તિઓ કેવી રીતે બનાવી તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. તેઓનું કહેવું છે કે દબાણ દૂર થવું જોઈએ પણ તેઓને પ્રતિમા બનવા સરકાર ભાડાની જગ્યા આપે. હાલ તો દબાણ દુર કરાતાં અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. ત્યારે આગામી દિવસમાં વિરોધનો વંટોળ ઉઠે તેવા પણ એંધાણ વર્તાયા છે.