મેટ્રો રેલ ટનલની કામગીરી દરમિયાન મકાન નીચેની જમીન ધસી પડવાની વાત ફેલાતા સ્થાનિક મ્યુનિ.કાઉન્સિલર ઈકબાલ શેખ તુરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બેઘર બનેલા પરિવારોને આશ્વાસન આપ્યું હતું.

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૮
શહેરના ગોમતીપુર વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી દરમિયાન સિલ્વર ક્વાટર્સ, સિલ્વર મીલની ચાલી તેમજ ફલેટ પાસે જમીન ધસી પડતાં અનેક મકાનોને નુકસાન થયું હતું. વહેલી સવારે અચાનક બનેલી ઘટનાથી ગભરાઈ ગયેલા ચાલીના રહીશો ભયના માર્યા ઘર બહાર નીકળી ગયા હતા. જમીન બેસી જવાથી ર૦ જેટલા મકાનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત ગીચ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ જ રીતે ગોમતીપુર વિસ્તારમાં ગીત અને સંકડાશવાળા સિલ્વર ક્વાટ્‌ર્સ આસપાસના વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવાનું કામ ચાલુ હતું. દરમિયાન શનિવારે વહેલી સવારે કેટલાક મકાનો આસપાસની જમીન અચાનક ધસી પડતાં મકાનો હવામાં લટકી ગયા હતા. આથી ગભરાઈ ગયેલા પરિવારના સભ્યો ભયના માર્યા બહાર દોડી ગયા હતા. આ અંગેની જાણ સ્થાનિક મ્યુનિ. કાઉન્સિલર ઈકબાલ શેખને થતાં તેઓ સાથી કાઉન્સિલરો ટીનાભાઈ વિસનગરી અને રૂકશાનાબેન ઘાંચી સાથે સ્થળ પર દોડી ગયા હતા. આ ઘટનાની જાણ વિવિધ સમાચાર માધ્યમોથી વાયુવેગે ફેલાઈ જતાં મેયર બિજલબેન પટેલ અને મ્યુનિ.અધિકારીઓ ટીમ સહિત દોડી આવ્યા હતા. ઉપરાંત મેટ્રોના અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા અને આસપાસના ર૦ જેટલા મકાનો ખાલી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ સિમેન્ટ ક્રોંકિટની ૧૬થી ૧૭ ગાડીઓ ભૂવામાં ઠાલવી ભૂવો બંધ કર્યો હતો. આ અંગે મ્યુનિ.કાઉન્સિલર ઈકબાલ શેખે મ્યુનિ.કમિશનરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, ગીચ અને સાંકડા વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી કરવામાં સ્થાનિક નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છતાં નક્કર પગલાં લેવામાં આવતા નથી. સમગ્ર વિસ્તારમાં જ્યાં જ્યાં પણ આવા મેટ્રો રેલ પ્રોજેક્ટના કામો હાથ ધરવામાં આવે છે ત્યાં અગમચેતીના પગલાં રૂપે નાગરિકોના રહેણાંકનું નિરીક્ષણ હાથ ધરવું અત્યંત આવશ્યક છે કારણ કે આ વિસ્તારમાં મોટાભાગે મકાનો અત્યંત કાચા અને નબળાં બાંધકામવાળા હોવાથી માલ મિલકત કે જાનને નુકસાન થવાની શક્યતા વધુ હોય છે. આથી આ સ્થાનિક ચાલીઓમાં ૪ર જેટલા મકાનોને અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થા આપવા અને જે મકાનોને નુકસાન થયું છે તેમને યોગ્ય વળતર આપવા અને તેમના મકાનો વહેલીતકે સમારકામ કરાવી આપવા રજૂઆત કરી છે.

મેટ્રો ટનલની કામગીરી બે-ત્રણ દિ’ અગાઉ મકાન ખાલી કરાવાય છે

આ અંગે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર અમદાવાદ અને ગાંધીનગર (મેગા)ના અધિકારીઓએ જણાવેલ કે જ્યાં પણ મેટ્રો રેલની અંડરગ્રાઉન્ડ ટનલની કામગીરી કરવાની હોય છે. તેવા સ્થળોનો પહેલાં સર્વે કરીને જેનું બાંધકામ નબળું લાગે કે ભયજનક લાગે તેવા મકાનોને અંડરગ્રાઉન્ડ ટનલની કામગીરી શરૂ કરવાના બેથી ત્રણ દિવસ અગાઉ મકાન ખાલી કરાવવામાં આવે છે જેના મકાન ખાલી કરાવવામાં આવે છે તેવા પરિવારોને સભ્ય દીઠ રોજના રૂપિયા પ૦૦/- અન્ય સ્થળે વસવાટ હેતુ આપવામાં આવે છે અથવા મેટ્રો પ્રોજેક્ટ દ્વારા તેમના વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા કરવામાં આવે છે. આગળ પણ જ્યાં અંડરગ્રાઉન્ડ ટનલ બોરિંગ થશે તેવા દરેક સ્થળોએ આજ રીતે અંડરગ્રાઉન્ડ ટનલ બોરિંગ મશીન પહોંચવાના બેથી ત્રણ દિવસ અગાઉ જાણ કરી તેમણે અન્ય સ્થળે ખસેડવાની વ્યવસ્થા મેટ્રો પ્રોજેક્ટ દ્વારા કરાશે તેવી ખાત્રી મેગાના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.