અમદાવાદ, તા.૧૦
પેટ્રોલ અને ડીઝલમાં વધતા જતા ભાવના વિરોધમાં કોંગ્રેસે આપેલા ભારત બંધના એલાનને અમદાવાદમાં મહ્‌દઅંશે સફળ જોવા મળ્યું હતું. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી. મધ્ય, ઉત્તર અને પૂર્વ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં બંધની અસર વધારે જોવા મળી હતી જ્યારે પશ્ચિમ અને નવા પશ્ચિમ અમદાવાદમાં બંધની અસર ઓછી વર્તાઈ હતી ત્યારે અમદાવાદ શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ધરણા માટે જતાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો, કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસ આપેલા ભારત બંધના એલાનને અમદાવાદ શહેરમાં મહ્‌દઅંશે સમર્થન જોવા મળ્યું હતું. વહેલી સવારથી અમદાવાદની મોટાભાગની તમામ શાળા-કોલેજો બંધ જોવા મળી હતી તો શહેરના અનેક વિસ્તારોમાં વિરોધ કરવા કોંગ્રેસના કાર્યકરો રસ્તા બંધ કરાવવા રોડ ઉપર ઉતરી આવ્યા હતા તેમજ કેટલાક વિસ્તારોમાં તો કોંગ્રેસના કાર્યકરો દુકાનો અને બજારો બંધ કરાવવા નીકળ્યા હતા. શહેરના લાલદરવાજા વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ધરણાં માટે જતા કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ તથા અનેક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. દાણીલીમડા વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટરો બદરૂદ્દીન શેખ અને શહેજાદખાન પઠાણે પણ રસ્તા ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો તેવી જ રીતે શહેરના શાહપુર હલીમની ખડકી પાસે અજાણ્યા શખ્સોએ એએમટીએસની બસ ઉપર પથ્થરમારો કર્યો હતો તો શહેરના ઓઢવ વિસ્તારમાં બસના ટાયરની હવા કાઢી નાખવામાં આવી હતી તો કેટલીક જગ્યાએ પેટ્રોલપંપ પણ બંધ કરાવવામાં આવ્યા હતા તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાબરમતી, ચાંદખેડા, સીજી રોડ સહિતના ઘણા વિસ્તારો બંધ રહ્યા હતા તો પૂર્વ વિસ્તારમાં જમાલપુર, બાપુનગર, કૃષ્ણનગર, નરોડા, ઈસનપુર, જુહાપુરા, વેજલપુર સહિતના અનેક વિસ્તારો બંધ રહ્યા હતા. જો કે, વટવા વિસ્તારમાં બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આમ, અમદાવાદ શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવથી દાઝેલા લોકોએ મહ્‌દઅંશે બંધ રાખ્યું હતું તેમજ વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતા સહિત અનેક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જો કે, અમદાવાદમાં કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં કોંગી નેતાઓએ બે દિવસ પહેલાં જ સમજાવતા પ્રજાએ સ્વયંભૂ જ બંધ પાળ્યું હતું.