કોડીનાર,તા.૯
માનવતા માટે પોતાની અને પોતાના કુટુંબીજનો, સાથીઓની કરબલાના મેદાનમાં કુરબાની આપનાર માનવ ઈતિહાસના મહાન રેહબર અને પયગમ્બર સાહેબના નવાસા શહીદે કરબલાના જન્મ દિવસ નિમિત્તે શિયા ઈસના અસરી સમાજ, બુખારી સૈયદ જહાંગીરમિયાં સાહેબ ટ્રસ્ટ તથા સહયોગી કમિટીઓ દ્વારા આજે ભવ્ય એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમી એકતા અને ભાઈચારા માટે મશહૂર કોડીનાર શહેરની એકતાની તાસીરને વધુ મજબૂત બનાવતી એકતા યાત્રામાં કોમી એકતાના અનેરા દ્રશ્યો સર્જાયા હતા. કોડીનાર હિન્દુ-મુસ્લિમ સમાજના ધર્મગુરૂઓ એકસાથે એકતા યાત્રામાં જોડાયા હતા. કોડીનાર સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ સૈયદ ભીખુબાપુ કાદરી અને કાલુબાપુ નકવીના માર્ગદર્શન હેઠળ બુખારી મહોલ્લાથી મૂળ દ્વારકા રોડ ઉપર આવેલ કરબલા સુધી ૩ કિ.મી. લાંબા રૂટ ઉપર નીકળેલી આ એકતા યાત્રામાં કોડીનારના પ્રસિદ્ધ જમજીર ઘોઘના જમદગની આશ્રમના મહંત હરિદાસ બાપુ, સોમનાથ મંદિરના મહંત હરેશગીરી બાપુ, હિન્દુ સમાજના અગ્રણી આગેવાનો ચંદુભાઈ જાની, મનુભાઈ મેર, ધીરૂભાઈ ગગદેવ, ચંદુભાઈ જાની, મનુભાઈ મેર, ધીરૂભાઈ ગગદેવ, ચંદુભાઈ આસર, રામભાઈ વાઢેર, રમેશભાઈ બજાજ, વિજયભાઈ બારોટ, દતાભાઈ કોગજે, નાનુભાઈ સાગર, રમેશભાઈ બાભણિયા સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો એકતા રેલીમાં હાજર રહ્યા હતા. રેલીના રૂટમાં અનેક સ્થળોએ હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.