(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
બાપોદ સ્થિત વુડાના આવાસમાં થયેલી હત્યાને પગલે સર્જાયેલી તંગ પરિસ્થિતિ વચ્ચે ૫૭ જેટલા મુસ્લિમ પરિવારજનોની સુરક્ષા સામે ખતરો ઉભો થતાં હિજરત કરી અન્ય સ્થળે જતા રહ્યા છે. પુરતી સુરક્ષા મળ્યા પછી જ આ હિજરતીઓ પોતાના આવાસમાં પરત ફરશે. દરમિયાન કેટલાક સંગઠનોએ આજે બંધનું એલાન આપતાં દુકાનો બંધ રહી હતી.બે દિવસ પહેલાં બાપોદ સ્થિત વુડાના આવાસમાં રહેતાં ટેમ્પા ચાલક મનહરભાઈ અમથાલાલ વરિયા (ઉ.વ.૫૭) ગતતા.૧૨મીનાં મંગળવારનાં રોજ તેમના મકાનની નીચેના ભાગે બેઠા હતાં. તે વેળા આ વસાહતમાં રહેતાં નાસીર નામના શખ્સે ખંજરના ઘા ઝીંકી તેમની હત્યા કરી ભાગી છુટ્યો હતો.હત્યા અંગેનું પ્રાથમિક કારણ તાજીયાના ફાળા માટે પૈસા માંગતા હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચામાં છે પરંતુ જમાતે ઈસ્લામી હિન્દનાં અગ્રણી શૌકત ઈન્દોરીએ જણાવ્યું હતું કે બંને વચ્ચે ઝગડો તાજીયાનાં ફાળા માટે ન હતો થયો. મનહરભાઈએ તાજીયા માટે તો આગલે દિવસે (તેમની હત્યાના) રૂપિયા ૧૦૦ આપી દીધા હતાં. પરંતુ બંને વચ્ચે અંગત અદાવતને કારણે હત્યા કરવામાં આવી છે. તાજીયાનાં ફાળાની તકરાર હતી જ નહિં.
વુડાના વસાહતમાં બ્લોક નં.૬ અને રૂમ નં.૧૬માં રહેતાં યાસ્મીન મહંમદ સલીમ શેખે જણાવ્યું હતું કે, બંને લોકોનં અંદરો અંદરનાં ઝગડાને લીધે હત્યા થઈ છે. હત્યા થયા પછી ટોળે ટોળા અમારી વસાહત ઉપર ઘસી આવ્યા હતાં અને ભયનું વાતાવરણ સર્જયુ છે. આથી અમે ગભરાટનાં માર્યા અમારા ઘરબાર છોડી હિજરત કરી ગયા છીએ. હવે અમારાથી ત્યાં રહેવા જવાય તેવી પરિસ્થિતિ નથી જ્યાં સુધી અમને સુરક્ષા નહિં મળે ત્યાં સુધી વસાહતમાં પાછા નહિં જઈએ. અમારા મકાનોના બારી બારણા પણતોડી નાંખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અમે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીશું.
દરમિયાન કેટલાક સંગઠનોએ બાપોદ વિસ્તારમાં બંધનું એલાન આપી તંગ પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. જેને કારણે વુડા વસાહતમાંથી ૫૭ જેટલા મુસ્લિમ પરિવારોએ હિજરત કરી અન્ય સ્થળે શરણ લીધુ છે.
અંગત અદાવતમાં બનેલ બનાવને કોમી સ્વરૂપ આપવાનો પ્રયાસ : પ૭ મુસ્લિમ પરિવારોની હિઝરત

Recent Comments