(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
અંગદાન ક્ષેત્રે કાર્ય કરતી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા છેલ્લા વર્ષમાં કેડેવર ઓર્ગન ડોનરના પરિવારજનો કે જેમને પોતાના સ્વજનોના અંગોનું દાન કરી કિડની, લિવર, પેન્ક્રિયાસ અને હ્રદય નિષ્ફળતાવાળા દર્દીઓને નવજીવન આપ્યું છે એવા ૩૨ પરિવારોના સન્માનનો કાર્યક્રમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે મંગળવાર તા. ૨૯ મે, ૨૦૧૮ના રોજ સવારે૧૦ઃ૧૫ કલાકેપ્લેટીનીયમ હોલ, સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્સન સેન્ટર, સરસાણા, ખજોદ ચોકડી, અલથાણ ખાતે રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આ સન્માન સમારોહમાં અંગદાતા પરિવારોની સાથે આ સેવા કાર્યમાં હંમેશા સહયોગ આપનાર તબીબો, હોસ્પીટલો,સુરત શહેર પોલીસ, સુરત મહાનગર પાલિકા, સુરત એરપોર્ટ ઓથોરીટીને પણ સન્માનીત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ગુજરાત રાજ્યના ગવર્નર ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીઝીઝ એન્ડ રીસર્ચ સેન્ટરઅમદાવાદમાં જે કેડેવરીક કિડની અને લિવરના ટ્રાન્સપ્લાન્ટ થાય છે તેમાં ૪૫% થી વધુ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું શ્રેય સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના ફાળે જાય છે.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સતત લોકોને અંગદાન પ્રત્યે જાગૃત કરી તેમજ અંગદાન માટે પ્રેરિત કરીને અત્યાર સુધી ૨૪૯ કિડની, ૧૦૧ લિવર, ૬ પેન્ક્રિયાસ, ૧૭ હૃદય અને ૨૧૨ચક્ષુઓનું દાન મેળવી ૫૮૨ વ્યક્તિઓને નવું જીવન અને રોશની બક્ષવામાં સફળતા મળી છે.