(એજન્સી) ઓસાકા, તા. ૨૭
જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન મોદી જાપાનના ઓસાકામાં પહોંચ્યા હતા અને અહીંના વડાપ્રધાન શિન્જો અબે સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશોના વેપાર, પર્યટન, સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થઇ હતી. બંને નેતાઓએ પારસ્પરિક હિતો અંગે પણ ચર્ચા કરી હતી. જાપાનના વડાપ્રધાને પીએમ મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, ચૂંટણીઓમાં જીત બાદ ફરી એકવાર તમને મારી હાર્દિક શુભકામનાઓ. સાથે જ એમ પણ કહ્યું કે, હવે ભારત આવવાનો મારો વારો છે અને આ યાત્રાની હું રાહ જોઇ રહ્યો છું.
વડાપ્રધાન મોદીએ પણ શુભકામના બદલ આભાર માન્યો હતો. મોદીએ કહ્યું કે, તમે ભારતના પ્રથમ એવા મિત્ર છો જેણે પ્રથમ ફોન કરીને મને અભિનંદન આપ્યા છે. દરમિયાન વિદેશ સચિવ ગોખલેએ જણાવ્યું કે, બંને નેતાઓ જુના મિત્રો છે. જાપાન અને જાપાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અંગે અત્યંત રચનાત્મક અને વિસ્તૃત ચર્ચા થઇ છે. જાપાનના વડાપ્રધાન અબેએ ભાગેડુ આર્થિક અપરાધીઓના મુદ્દે વડાપ્રધાન મોદીની પહેલનો વિશેષ રીતે ઉલ્લેખ કર્યો હતો. જી-૨૦ ઉપરાંત મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલવે અને વારાણસીમાં કન્વેન્શન સેન્ટર અંગે પણ ચર્ચા થઇ હતી. બંને નેતાઓએ આ અંગે પ્રગતિની સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે એક ટિ્વટમાં જણાવ્યું હતું કે, પારસ્પરિક હિતો અંગે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઇ હતી. વડાપ્રધાને જણાવ્યું છે કે, આ વર્ષે યોજાનારી વાર્ષિક બેઠકમાં પીએમ અબે ભાગ લેવા પર તેમની નજર છે. વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો આબે શુક્રવારે ફરીથી ત્રિપક્ષીય મંત્રણા માટે મળશે જેમાં ત્રીજો પક્ષ અમેરિકા હશે. આ મંત્રણામાં ઇન્ડો-પેસિફિકની પહેલ અંગે ચર્ચા કરવામાં આવશે.
દરમિયાન વડાપ્રધાન મોદી ઓસાકા પહોંચતા ભારતીય સમુદાયે તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. તેમને જોઇ ભારતીય સમુદાયે મોદી-મોદીના નારા લગાવ્યા હતા. પીએમ મોદીએ અહીં ઉપસ્થિત લોકો સાથે હાથ મિલાવ્યા હતા. તેમણે ટિ્વટ કર્યું કે, જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઓસાકા પહોંચ્યા છે. શાનદાર સ્વાગત માટે ભારતીય સમુદાયનો આભાર. બીજી તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટિ્વટમાં જણાવ્યું કે, ઓસાકા પહોંચતા ભારતીય સમુદાયના ઉત્સાહી તથા ગૌરવાન્વિત યુવાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું હતું.
જાપાનમાં PM મોદીએ ભારતીય સમુદાયને સંબોધ્યા,
‘સબકા સાથ,સબકા વિશ્વાસ’નો પુનરોચ્ચાર
(એજન્સી) કોબે, તા. ૨૭
વડાપ્રધાન મોદી ગુરૂવારે જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોંચ્યા હતા. કોબેમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતાં તેઓએ કહ્યું કે આજે જ્યારે હું તમારી વચ્ચે છું તો વિશ્વના સૌથી મોટા લોકતંત્રએ મારા પર પહેલાંથી પણ વધુ વિશ્વાસ અને પ્રેમ દાખવ્યો છે. મને ખ્યાલ છે કે તમારામાંથી પણ તેમના સાથીઓનો આ જનમતમાં યોગદાન રહ્યું છે. કેટલાંક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી વાતો પહોંચાડવાનો પ્રયાસ કર્યો. કેટલાંક લોકોએ ગામમાં જૂન મિત્રોને ચિટ્ઠી લખી અને ઈમેલ કર્યા. તમે પણ કોઈ પ્રકારે ભારતમાં લોકશાહીના આ ઉત્સવને વધુ તાકાતવર બનાવ્યું છે. મોદીએ કહ્યું કે ૩ દશકા બાદ પહેલી વખત સતત બીજી વાર પૂર્ણ બહુમતવાળી સરકાર બની છે. ભારત જેવાં વિશાળ દેશમાં આ સ્થિતિ સામાન્ય નથી. ૧૯૮૪માં પણ સતત બીજી વખત એક પાર્ટીની બીજી વખત સરકાર બની હતી. તે સમયે શું પરિસ્થિતિ હતી તે આપ જાણો છો અને કારણ પણ. લોકો વોટ કેમ આપવા ગયા હતા, તે પણ તમને ખબર છે. ૧૯૭૧ પછી દેશમાં પહેલી વખત સરકારને ઈનકમ્બન્સી જનાદેશ આપ્યો છે. ભારતના મનને તમે જાપાનમાં બેસી સમજી શકો છો , અનુભવી શકો છો. તેમની આશાઓ અને તમારી આશાઓમાં કોઈ અંતર અનુભવતો નથી, તો મનને ઘણો જ સંતોષ મળે છે.
લોકતંત્ર પ્રત્યે ભારતના સામાન્ય જનની આસ્થા અડગ છે. ભારતની આ શક્તિ ૨૧મી સદીના વિશ્વને નવી આશા આપનારી છે. આ ચૂંટણી, તેનો પ્રભાવ માત્ર ભારત સુધી જ સીમિત રહેવાનો નથી. વિશ્વના લોકતાંત્રિક મનને પ્રેરિત કરનારો છે. ન્યૂ ઈન્ડિયાની આશાઓ-આકાંક્ષાઓને આ જનાદેશ મળ્યો છે, આ જનાદેશ પૂરાં વિશ્વની સાથે છે. વિશ્વ ભારતની સાથે જ્યારે વાત કરશે તો તેને વિશ્વાસ થશે કે તેને જનતા જર્નાદને ચૂંટ્યા છે. આ બાપૂની ૧૫૦મી જયંતિનું પણ વર્ષ છે. ગાંધીજીની એક શીખ નાનપણથી શીખી-સમજી રહ્યાં છીએ. કે ખોટું ન જુઓ, ખરાબ ન બોલો અને ખરાબ ન સાંભળો. ભારતનો એક એક બાળક આ વાતને જાણે છે. ઓછા લોકોને તે ખ્યાલ છે કે જે ત્રણ વાંદરાને આ સંદેશ માટે પસંદ કર્યા તેના જન્મદાતા ૧૭મી સદીનું જાપાન છે. આ જાપાનની ધરોહર છે, જેને પૂજ્ય બાપૂએ એક મહાન સામાજિક સંદેશ માટે પ્રતીક તરીકે પસંદ કર્યું અને તેને પ્રચારિત-પ્રસારિત કર્યા. મોદી પ્રમાણે, અમે ૫ ટ્રિલિયન ઈકોનોમીની તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ભારતમાં ડિઝીટલ લિટરેસી ઝડપથી વધી રહી છે. ડિઝીટલ ટ્રાંજેક્શન રેકોર્ડ સ્તરે છે. ૫૦ હજાર સ્ટાર્ટઅપ્સને ઈકોનોમિસ્ટ બનાવવાનું ભારતને લક્ષ્ય મળ્યું છે. ભારતની ૧૩૦ કરોડ જનતાના જીવનને સરળ બનાવવા માટે સસ્તી અને સુલભ સ્પેસ ટેકનોલોજી અમારું લક્ષ્ય છે. તાજેતરમાં જ ફેની સાઈક્લોન સહિત ઘણા પડકારોને ભારત ઓછામાં ઓછા નુકસાન સાથે સંભાળી શક્યું છે. ૨૦૨૨ સુધી અમે અમારું પહેલું મિશન ગગનયાન મોકલવાની તૈયારીમાં છીએ. ત્યાં કોઈ ભારતીય તિરંગો ફરકાવે તેવું સપનું છે. સ્પેસમાં અમારુ સ્ટેશન હોય, તેની સંભાવનાઓની તપાસ કરાઈ રહી છે. આજે અમારા દેશમાં આકાંક્ષાઓથી ભરેલો એક સમુહ છે ઝડપથી પરિણામ ઈચ્છે છે. જ્યારે આખી દુનિયા ભારતને સંભાવનાઓના ગેટવેના રૂપમાં જુએ છે, ત્યારે જાપાન સાથે અમારો તાલમેલ પણ નવી ઊંચાઈઓ નક્કી કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીના સંબોધન બાદ ’જય શ્રી રામ’ અને ’વંદે માતરમ’ના નારા લાગ્યા.
Recent Comments