મુંબઈ, તા.૩૧
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ચીફ કોચ રહી ચૂકેલાં અનિલ કુંબલેનું માનવું છે કે, ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને વિકેટ અપાવનાર બોલર્સ પર ધ્યાન આપવું જોઈએ, જ્યાં ઓલરાઉન્ડર ખેલાડીના સ્થાને ફાસ્ટ બોલર્સને ચાન્સ મળે. આગામી વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી૨૦ વર્લ્ડ કપની તૈયારી માટે ટીમ ઈન્ડિયા આવનારા સમયમાં વધારે ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ રમશે.
કુંબલેએ કહ્યું કે, હું નિશ્ચિત રીતે માનું છું કે, તમે વિકેટ લેનાર બોલર્સની વધારે જરૂર રહેશે. તેવામાં મારા પ્રમાણે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળવું જોઈએ. એ ખુબ જ જરૂરી છે કે તમે વિકેટ લેવાનો વિકપ્લ શોધો. ટીમ ઓલ રાઉન્ડર્સને શોધી રહી છે. પણ તમારે એવા ફાસ્ટ બોલર્સને રાખવા પડશે જે વિકેટ લઈ શકે. મને લાગે છે કે આ ખુબ જ મુશ્કેલ પરિસ્થિતિ છે.
તો ધોની ભારતીય ટીમમાં પરત ફરશે તે અંગે જ્યારે પુછવામાં આવ્યું તો કુંબલેએ કહ્યું કે, આ એ વાત પર નિર્ભર કરે છે કે ધોની આઈપીએલમાં કેવું પ્રદર્શન કરે છે, અને શું ભારતીય ટીમને લાગે છે કે વર્લ્ડ કપમાં તેની સેવાઓની જરૂર હશે. આ પ્રકારે તે ટીમનો ભાગ બની શકે છે. આપણે રાહ જોવી પડશે. તો લોકેશ રાહુલને તેઓએ વિકેટકીપરનો એક સારો વિકલ્પ ગણાવ્યો હતો. જ્યારે રોહિત શર્માને ૨૦૧૯નો સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન તો મયંક અગ્રવાલને સર્વશ્રેષ્ઠ યુવા ક્રિકેટર ગણાવ્યો હતો.