(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૯
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક દિવસના તેમના ભરચક કાર્યક્રમ વચ્ચે ભાજપના અગ્રણીઓને મળવા સાથે તેમના નિવાસસ્થાને કેટલાક ધારાસભ્યોને પણ મળતા રાજકીય ગરમાવા સાથે ચર્ચાનું બજાર તેજ થઈ જવા પામ્યું છે. તેમાં પણ રાધનપુર અને ખેરાલુ વગેરે બેઠકની પેટાચૂંટણીને લઈ કોંગ્રેસના પેરાશૂટ ઉમેદવાર ગણાતા અલ્પેશ ઠાકોરની ચર્ચા વચ્ચે આજે ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ પણ શાહ સાથે મુલાકાત કરતા અલ્પેશ ઠાકોરની છાવણીમાં ટેન્શન વધવાના એંધાણ વર્તાય છે.
પક્ષપલ્ટુ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધતી જ જાય છે. કેસરિયો ખેસ ધારણ કરીને મંત્રી બનવા ઉછળકૂદ કરતાં અલ્પેશ ઠાકોરનો હજુ કોઈ મેળ પડ્યો નથી. અલ્પેશ ઠાકોરે તો ભાજપ ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ રાધનપુરમાં ચૂંટણી પ્રચાર શરૂ કરીને પક્ષની શિસ્તના લીરેલીરા ઉડાડ્યા છે. જો કે આ જ રાધનપુર બેઠક પર પૂર્વ આરોગ્યમંત્રી શંકર ચૌધરી લગભગ નક્કી મનાય છે.
આ સંજોગોમાં અલ્પેશ ઠાકોરે ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડવી પડશે. ત્યારે અલ્પેશ ઠાકોર માટે માઠા સમાચાર એ છે કે, પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ આજે સવારે અમિત શાહને મળ્યાં હતા. આગામી પેટાચૂંટણીને લઈને આ મુલાકાતને ઘણી સૂચક માનવામાં આવી રહી છે. રમીલાબેન દેસાઈને અમિત શાહે સમય ફાળવી ચૂંટણીલક્ષી ચર્ચા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આમ, અલ્પેશ ઠાકોરને હવે બે -બે દાવેદારો સામે જંગ જામ્યો છે.
અમિત શાહને મળવા આમ તો પ્રદેશ હોદ્દેદારો તથા ધારાસભ્યો સહિતના ઘણાં અગ્રણીઓ પહોંચ્યા હતા. જો કે તેમાં ધારાસભ્યોની મુલાકાતોએ ઉત્કંઠા વધારી છે. રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની હોઈ આ મુલાકાતો સૂચક મનાવ છે. આજે અમિત શાહના નિવાસસ્થાને દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ, નરોડાના પૂર્વ ધારાસભ્ય માયાબેન કોડનાની, વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ સહિતના અગ્રણીઓએ શાહની મુલાકાત લેતા ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે.